Site icon Gramin Today

જિલ્લામાં પ્રથમ મહિલા તરીકે BSFમાં પસંદગી પામેલ નિકિતાબેન ગામીતનું કલેકટરશ્રી દ્વારા સંન્માન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

હોમગાર્ડ તરીકે સેવા બજવવાની શરુઆત કરી, અને હવે નિકિતાબેન  BSF માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવશે… મક્કમ મન, કાંઈક કરવાના ઈરાદા હોય તો માનવી ક્યાંનો ક્યાં પોહોચી જાય છે, જીલ્લામાં મહિલાઓમાં પ્રથમ BSFમાં પસંદગી પામનાર સુનીતા ગામીતને ખુબ ખુબ અભિનંદન: 

વ્યારા: તાપી જિલ્લામાંથી તાજેતરમાં જ ૧૫ જેટલા યુવાનો લશ્કરી ભરતીમાં પસંદગી પામ્યા હતાં. જે બાદ તમામ યુવાનોને કલેક્ટર આર.જે. હાલાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારંભમાં કંઈક ખુટતુ હોય એવું લાગી રહ્યું હતું અને તે વાત જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જેવી રીતે જિલ્લાના યુવાનોનો લશ્કરી ભરતીઓ તથા અન્ય ભરતીઓમાં પસંદગી પામવાનો રેશિયો વધી રહ્યો છે તે સરાહનીય છે પરંતુ હું ઇચ્છું છું કે આ રેસમાં યુવતીઓ પણ યુવાનો સાથે ખભેખભા મિલાવીને તૈયારીઓ કરે અને ભરતીઓમાં પસંદગી પામે.
જિલ્લા પોલીસ વડાની આ વાત સાચી પડી છે અને જિલ્લામાંથી પ્રથમ વાર એક મહિલા સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં BSF કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી છે. બીએસએફમાં જિલ્લાવતી પ્રથમ મહિલા તરીકે પસંદગી પામનાર નિકિતાબેન જી. ગામીત મૂળ વ્યારાના ભસ્તી ફળિયાના વતની અને છેલ્લા બે વર્ષથી હોમગાર્ડ તરીકે સેવા બજાવતા હતા. જેઓનું આજે તાપી કલેક્ટર આર. જે. હાલાણીએ સન્માન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની  શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના તમામ યુવાનોને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ વિભાગોમાં થતી ભરતીઓ માટે સતત સૂચનાઓ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. પરિણામે આજે તાપી જિલ્લામાંથી નિકિતા ગામીત સહિત ૧૬ યુવાનો લશકરી ભરતીમાં પસંદગી પામ્યા છે.

Exit mobile version