Site icon Gramin Today

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉકાઈ સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે

ઉમરપાડા અને ડેડિયાપાડાના કુલ ૧૨૩ ગામોના ૮૪ હજાર એકરને મળશે સિંચાઈ સુવિધા

તાપી:  રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ખાતે સ્થાપિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશન નં. ૧, ૨ અને ૩ની મુલાકાત લઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાતકાશી ખાતે આશરે રૂ. ૭૧૧ કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ ઉદ્ધવહન સિંચાઈ યોજના હેઠળ ૨૬૬ મીટર ઊંચાઈએ પાણી પહોંચાડવામાં આવશે. જેના દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોના અંદાજિત ૫૩ હજાર એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાનો વ્યાપ વધારીને બાકી રહી જતાં વધુ ૫૦ ગામોના આશરે ૩૧ હજાર એકર વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો છે. સાથે સાથે રૂ. ૨૬૬ લાખના ખર્ચે ૩ મોટા ચેકડેમોનું નિર્માણ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેથી કરીને ખેડૂતોને શિયાળા અને ઉનાળામાં સિંચાઇનો લાભ મેળવી શકે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યોજનાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.સાતકાશી પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણી સુરત જિલ્લાના કેવડી સુધી પહોંચાડવામાં આવશે. જેનું આગામી તા. ૭ માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન ફરજ પરના કાર્યપાલક ઇજનેરશ્રીએ મંત્રીશ્રીને તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાની સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી.

Exit mobile version