Site icon Gramin Today

ખોખરાઉંમર ની હોળીનાં તહેવારની ઘેરૈયાઓ સહિત ગ્રામજનોની અનોખી પરંપરા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

વિક્રમ સંવત મહિના અનુસાર ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. જેમ દેડીયાપાડા નાં ખોખરાઉંમરનાં લોકો રંગીલા મિજાજના છે તેમ એમની હોળી-ધુળેટી પણ રંગીલી છે.

દેડિયાપાડા તાલુકાનાં ખોખરાઉંમર સહિત અનેક ગામોના આદિવાસીઓનો પ્રિય તહેવારની પૂર્વે વાયકાઓ જાળવીને પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

આદિવાસી સમાજનાં વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તી સાથે જોડાયેલી છે. શિવરાત્રિના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસેથી મોટા ભાગના ઘેરૈયાઓ પોત પોતાના કપડા જાતે ધોએ છે. જે દિવસથી ઘેરૈયા પૂર્વ તૈયારી કરે છે ત્યાર થી મોટે ભાગે પોતાના ઘરે જતા નથી એટલે કે ભ્રમાચારી જીવન વિતાવે છે. ઘેરૈયા બનવાની નિશાની તરીકે વાંસની સોટી રાખે છે ,માથે મોટો રૂમાલ બાંધે છે સતત પંદર દિવસનું બ્રહ્નચારી જીવન દરમિયાન ચણાની કોઇપણ પ્રકારની વાનગી ખાતા નથી. હોળી માતાને ચઢાવાતો પૂજાપો જેવો કે કંકુ, દાળીયા, ખજુર, કોપરા અને અન્ય વસ્તુઓ ખાવાનું તો ઠીક અડકતા પણ નથી. સાચા ઘેરૈયા તરીકે પગમાં ચંપલ કે બુટ પહેરતા નથી. હાથમાં (રીહટીયું) એક પ્રકારનું વાધ્ય રાખે છે. જેના દ્વારા હોળીના ગીતો વગાડે છે.

હોળીના દિવસે બધા ઘેરૈયા ઉપવાસ રાખે છે. પોતાનો સામાન એટલે કે ઘુઘરા, મોરના પીંછાની ચમરી, કોપરામાં રાખેલ હારડો, અરીસો અને અન્ય શણગાર તૈયાર રાખીને સાંજની હોળીની તૈયારીમાં લાગી જાય છે. રાત્રે હોળી માતાની પૂજા થાય છે. બધા ઘેરૈયા હોળી માતાની પૂજા કરે છે. પોત પોતાના શણગાર સજી ધજીને લાલ કલરનું ધોતીયું, બંડી પહેરીને હોળીમાં જાય છે. ખરેખરનું બ્રહ્નચર્યની સાબિતી રૂપે હોળીની આગમાં કુદકો મારે છે.પ્રદક્ષિણા કરે છે. હોળી માતાના આશીર્વાદ રૂપે એમને પગમાં કોઇ પણ પ્રકારની ઇજા થતી નથી. આ વિધિ પતી ગયા બાદ બધા ઘેરૈયા સાથે ઉપવાસ છોડે છે. સતત પાંચમ સુધી આજુબાજુના ગામડામાં ફરીને ગેર ઉઘરાવે છે અને પાંચમના દિવસે હોળીમાતાની પૂણૉહુતિ કરે છે.

પ્રચલિત એક માન્યતા પ્રમાણે કુદરતે આખા વર્ષ દરમિયાન જે સાચવ્યાં છે જે અનાજ આપ્યું છે તેના બદલામાં કુદરતનો આભાર માનવા માટે આદિવાસીઓ આ પ્રકારની હોળીની ઉજવણી કરે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્થા જોડાયેલી છે. કુદરત માંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના તહેવારો.

વતનથી હજારો માઇલ દૂર રોજી રોટી માટે જતા આદિવાસીઓ હોળીના પર્વ ટાણે તમામ કામોને પડતા મુકી વતનની વાટ પકડતા હોય છે. જયાં તેઓ કુદરતના ખોળે હોળીના ફાગ ગાઇ અને દેશી વાંજીત્રોના તાલે રાતભર નાચગાન કરી પર્વની અનેરી ઉજવણીનો લાભ ઉઠાવતા હોય છે.

Exit mobile version