શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા પોલીસની તત્પરતા: મહારાષ્ટ્રમાંથી ૨૦ મજૂરોને પરત લાવી પરિવાર સાથે કરાવ્યો ભાવુક મિલન
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કડમાળ ગામના લગભગ ૨૦ મજૂરો, જે છેલ્લા એક અઠવાડિયાથી સંપર્ક વિહોણા બનતા પરિવારજનોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું, તેમને આહવા પોલીસે ઝડપી અને સંકલિત કામગીરી દ્વારા મહારાષ્ટ્રમાંથી સુરક્ષિત પરત લાવી તેમના પરિવાર સાથે ભાવુક મિલન કરાવ્યું છે. સમગ્ર ઘટનાએ માનવતા, જવાબદારી અને પોલીસની તત્પરતા દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કડમાળ ગામના મજૂરો રોજગારી માટે મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લાના સટાણા તાલુકાના બામણગાવ ગામે ગયા હતા. જોકે, અચાનક તેઓ સાથેનો સંપર્ક તૂટી જતા તેમના પરિવારજનો ભારે ચિંતિત બન્યા, પરિસ્થિતિ ગંભીર બનતા ગામના આગેવાન સુરેશભાઈ ચૌધરી એ તાત્કાલિક પોલીસ અધિક્ષક પૂજા યાદવનો સંપર્ક કરી સમગ્ર મામલો તેમના ધ્યાન પર મૂક્યો હતો.
આ માહિતી મળતા જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ સ્ટેશનની વિવિધ ટીમોને મહારાષ્ટ્ર મોકલી સંકલિત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સટાણા પોલીસના સહયોગથી બામણગાવ વિસ્તારમાં વ્યાપક શોધખોળ કરવામાં આવી અને અંતે તમામ ૨૦ મજૂરોને સલામત રીતે શોધી કાઢવામાં આવ્યા.
પછી આહવા પોલીસ તમામ મજૂરોને સુરક્ષિત રીતે પરત લાવી આહવા પોલીસ સ્ટેશન ખાતે તેમના પરિવારજનો સાથે મળાવ્યા હતા. લાંબા સમય બાદ પોતાના સ્વજનોને જોઈને પરિવારોમાં આનંદ અને લાગણીભર્યો માહોલ સર્જાયો હતો. ઘણા સ્થળોએ ખુશીના આંસુઓ સાથે આ મિલન ક્ષણો યાદગાર બની રહ્યા.
આ સમગ્ર કામગીરીમાં આહવા પોલીસની તત્પરતા, વ્યવસાયિકતા અને માનવતા સાથે સાથે સુરેશભાઈ ચૌધરીના સક્રિય સહયોગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઘટના એ દર્શાવે છે કે સમયસર કરેલી કાર્યવાહી અને સંકલન દ્વારા મોટી મુશ્કેલીને સરળતાથી હલ કરી શકાય છે.
આ બનાવ ડાંગ જિલ્લામાં સહકાર, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યો.

