શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને અપાઈ તાલીમ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ખાતે બે દિવસીય ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહવા તાલુકામાં મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ટર ટ્રેનરો તેમજ આઇ.ટી.આઈના ટ્રેનરો દ્વારા ચૂંટણી સાથે જોડાયેલ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં આશરે ૯૫૦ જેટલાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. આ તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ હેન્ડસ ઓન તાલીમ, ઈ.વી.એમ મશીનનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમના નોડલ વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને તમામ કર્મચારીશ્રીઓએ નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો છે.
આ તાલીમ દરમિયાન હિસાબી અધિકારી શ્રી આર.બી.ચૌધરી, આહવા મામલતદાર શ્રી રજની વૈષ્ણવ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો.મનીષા મુલતાની, મદદનીશ ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઇ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

