Site icon Gramin Today

આદિજાતિ વિકાસ, વન, અને મહિલા બાળ કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ, વન, અને મહિલા બાળ કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા:

આહવા : ડાંગ જેવા છેવાડાના વિસ્તારના વિકાસ કાર્યો, અને વિકાસ યોજનાઓનુ સુપેરે અમલીકરણ કરવાની હિમાયત કરતા આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને કામોની ગુણવત્તા અને યોજનાઓના અમલીકરણમા કોઈ કચાશ ચલાવી નહિ લેવાઈ, તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે વન વિભાગ સહીત આદિજાતિ વિકાસ વિભાગ, અને મહિલા બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરતા જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

મંત્રીશ્રીએ આગામી વન મહોત્સવના આયોજન સહીત વન વ્યવસ્થાપન અને વન વિકાસની વિવિધ યોજનાઓની સમીક્ષા હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા પૂરી પાડવામા આવતી વિવિધ રોજગારલક્ષી યોજનાઓ સહીત વાડી યોજના, ક્લસ્ટર વિકાસ યોજના, વન લક્ષ્મી યોજના, માલિકી યોજના, વન અધિકાર ધારો, વન સંરક્ષણ ધારો, કાચબા સંવર્ધન કેન્દ્ર, ટાઇગર સફારી પાર્ક સહીત બોડા ડુંગરોને વન આચ્છાદિત કરવા માટેના વાવેતર બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ૯૬ ટકા વિવેકાધીન જોગવાઈના વિવિધ કામો, ૧૦ ટકા રાજ્યકક્ષાના ફંડ હેઠળના કામો, ઘર ઘર નળ કનેક્શન યોજના, બોર્ડર વિલેજ યોજના, આદિમજૂથ યોજના, વન અધિકાર અધિનિયિમ હેઠળની વ્યક્તિગત અને સામુહિક દાવા અરજીઓ, તથા વનવાસી ખેડૂત સશક્તિકરણ યોજના બાબતે પણ સુક્ષ્મ છણાવટ હાથ ધરી હતી.

સાથે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વનબંધુ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામા અમલી વિવિધ શૈક્ષણિક યોજનાઓ, આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, અને આરોગ્ય, ગૃહનિર્માણ, અને અન્ય યોજનાઓની પણ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

મંત્રીશ્રીએ તેમના હસ્તકના મહિલા અને બાળકલ્યાણ વિભાગની અમલી યોજનાઓ જેવી કે માળખાકીય સુવિધાઓ, ટેક હોમ રેશન, આધાર કાર્ડ, પૂર્ણ યોજના સહિતની અન્ય પ્રવૃત્તિઓ અને તેના પ્રચાર પ્રસાર બાબતે પણ વિગતો મેળવી ઉપયોગી સૂચનો કાર્ય હતા.

ડાંગ જિલ્લા સેવાસદન ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમા મંત્રીશ્રી સહીત સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ન્યુ ગુજરાત યોજનાના બોર્ડ મેમ્બર શ્રી દશરથભાઈ પાવર, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ન્યુ ગુજરાત યોજનાના બોર્ડ મેમ્બર શ્રી દશરથભાઈ પાવર, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરા સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Exit mobile version