શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા જિલ્લાકક્ષાનો સખી મેળો યોજાયો;
ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા જિલ્લાકક્ષાનો સખી મેળો રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રમતી પર્યુષાબેન વસાવા દ્વારા અન્ય પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપપ્રાગટ્ય થકી ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે દેશભરમાં દીકરીઓ માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં દીકરીઓ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. આપણે સૌએ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, “દીકરી છે તો દુનિયા છે”. આ શબ્દોને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે દીકરીઓ માટે “કૂખથી લઈને કરિયાવર સુધી” ની અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. દીકરીઓને સક્ષમ અને સુરક્ષિત બનાવવા સાથે સારું શિક્ષણ આપવા માટે તેમજ માતા-પિતા ઉપર દીકરીનું ભારણ ન આવે તે માટે સરકારશ્રીએ બેટી બચાવો-બેટી પઢાવોના અભિયાનને સાકાર કરવા સુકન્યા સમૃદ્ધિ યોજના લાગુ કરી છે. આ સિવાય પણ સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ આંગણવાડીની બહેનો કરી રહી છે ત્યારે તેમને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ. હજુ પણ જ્યાં ગામડાઓમાં કિશોરીઓ અને મહિલાઓ સરકારશ્રીની એક પણ યોજનાથી વંચિત ન રહે તેના માટે સકારાત્મક કાર્યો કરવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને દિશા સૂચન આપ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી સચિનભાઇ રાઠવાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ રહેલી કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.