શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
તા.૩૧મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરશે:
વેસુ (પીપલોદ) ખાતે અત્યાધુનિક પાંચ માળનું પંચાયત ભવન સાકાર:
નવા ઈકો ફ્રેન્ડલી ભવનમાં સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગની સુવિધા અને પંચાયત ભવનનો કોર્પોરેટ લૂક અન્ય સરકારી બિલ્ડીંગોથી અલગ તરી આવે છે;
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે બિગબજારની પાછળ, સુરત-ડુમસ રોડ, પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૩.૩૦ વાગ્યે કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.
અત્રે નોંધનીય છે કે, સુરત જિલ્લા પંચાયત કચેરી દરિયા મહેલ સ્થિત ૮૦ વર્ષ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આ જૂની બિલ્ડીંગનું તા.૫/૧૧/૧૯૩૪ના રોજ બાંધકામ થયું હતું. સુરત શહેર-જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો, અધિકારી-કર્મચારી, પદાધિકારી અને વિવિધ શાખાની સંખ્યામાં વધારો થતા ઓછી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી. આ ઉપરાંત, પાર્કિગ સહિતની અગવડતાને ધ્યાને લઈ નવા ભવન માટે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂા.૨૯.૪૦ કરોડ ફાળવ્યા હતા, જ્યારે સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.૧૮ કરોડની ફાળવણી સાથે કુલ રૂ.૪૭.૪૦ કરોડના ખર્ચે આ નવું મકાન ખૂબ ટૂંકા ગાળામાં ઝડપભેર સાકાર થયું છે, જેનું કન્સ્ટ્રકશન વર્ક તા.૧૮-૦૧-૨૦૨૨ ના રોજ શરૂ કરાયું હતું. આ મકાનથી પદાધિકારી-અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓમાં વધારો થશે.
આ પંચાયત ભવનનો કોર્પોરેટ લૂક અન્ય સરકારી બિલ્ડીંગોથી અલગ તરી આવે છે. વેસુ મેઈન રોડ, ખાતે લાન્સર્સ આર્મી સ્કુલની બાજુમાં, પીપલોદ ખાતે ૧૦,૦૦૦ ચો.મી. જગ્યા ઉપર ગ્રાઉન્ડ+પાંચ માળનું નવું પંચાયત ભવન નિર્માણ પામ્યું છે. જેમાં કુલ ૨૨ પ્રકારની વિવિધ શાખાઓ/કચેરીઓના સમાવેશ સાથે સભાખંડ, મિટીંગ રૂમ, વેઈટીંગ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળવાળું ૨૦૦ કારો અને ૬૦૦ બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમનો સમાવેશ છે. ખાસ કરીને નવું ભવન ઈકો ફ્રેન્ડલી બને તે માટે સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગ કરવામાં આવશે.
નવ નિર્માણ પામેલ આ બિલ્ડીંગ ભૂકંપપ્રૂફ છે અને આગ જેવી ઘટના ન સર્જાય તે માટે ફાયર સેફટીનો ખાસ ખ્યાલ રખાયો છે. આ પંચાયત ભવનના બાંધકામ બાદ પણ વધુ બાંધકામની ભાવિ જરૂરિયાતને અનુલક્ષીને હજુ ૮૪૦૦ ચો.મી.નો ઓપન એરિયા ઉપલબ્ધ છે.
પત્રકાર: ફતેહ બેલીમ , બ્યુરો ચીફ સુરત