Site icon Gramin Today

ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ:

આદરણીય અધ્યક્ષ સાહેબ!

આ ગૃહનું સૌભાગ્ય છે કે તમે બીજી વખત આ બેઠક પર બિરાજમાન છો. તમને અને આ સમગ્ર ગૃહને મારા તરફથી ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.

આદરણીય અધ્યક્ષ જી,

મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.

આદરણીય અધ્યક્ષ જી,

આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે નમ્ર અને વ્યવહાર કુશળ વ્યક્તિ સરળતાથી સફળ થાય છે અને તમને તો તેની સાથે એક મીઠી-મીઠી મુસ્કાન પણ મળી છે. તમારા ચહેરા પરની આ મીઠી-મીઠી મુસ્કાન સમગ્ર ગૃહને ખુશ રાખે છે. મને વિશ્વાસ છે કે તમે દરેક પગલે નવા દાખલા અને નવા રેકોર્ડ બનાવતા રહ્યા છો. 18મી લોકસભામાં બીજી વખત સ્પીકરનો કાર્યભાર સંભાળીને નવો રેકોર્ડ સર્જાતો આપણે જોઈ રહ્યા છીએ. શ્રી બલરામ જાખડજી એવા પ્રથમ સ્પીકર હતા જેમને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી અધ્યક્ષ બનવાની તક મળી હતી. તે પછી તમે જ છો, જેમને પાંચ વર્ષ પૂરા કરીને ફરીથી આ પદ સંભાળવાની તક મળી છે. છેલ્લા 20 વર્ષમાં એવો સમયગાળો આવ્યો છે કે મોટાભાગના સ્પીકર કાં તો ચૂંટણી નથી લડ્યા અથવા તો જીતીને આવ્યા નથી. તમે સમજી શકો છો કે અધ્યક્ષનું કામ કેટલું મુશ્કેલ હોય છે કે તેમના માટે ફરીથી જીતવું મુશ્કેલ બની જાય છે. પણ તમે વિજયી બનીને પાછા આવ્યા છો, આ માટે તમે એક નવો ઈતિહાસ રચ્યો છે.

આદરણીય અધ્યક્ષ જી,

આ ગૃહના આપણાં મોટા ભાગના માનનીય સાંસદો તમારાથી પરિચિત છે, તમારા જીવનથી પણ પરિચિત છે અને ગત વખતે મેં આ ગૃહમાં તમારા વિશે ઘણી વાત રજૂ કરી હતી અને હું આજે તેનું પુનરાવર્તન કરવા માંગતો નથી, પરંતુ એક સાંસદ તરીકે, અને અમે સૌ સાંસદ તરીકે તમે જે રીતે એક સાંસદ તરીકે કામ કરો છો તે પણ જાણવા જેવું છે અને ઘણું શીખવા જેવું છે. મને વિશ્વાસ છે કે એક સાંસદ તરીકે તમારી કાર્યશૈલી આપણાં જે પ્રથમ વખતના સાંસદ છે, આપણાં યુવા સાંસદ છે,  તેમને ચોક્કસપણે પ્રેરણા આપશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં, સંસદીય ક્ષેત્રમાં સ્વસ્થ માતાઓ અને સ્વસ્થ શિશુઓ માટે પ્રતિબદ્ધતા સાથે જે અભિયાન શરૂ કર્યું છે અને જે રીતે તમે તમારા વિસ્તારમાં તમારી જાતને સામેલ કરીને સુપોષિત માતાઓના આ અભિયાનને પ્રાથમિકતા આપી છે તે ખરેખર પ્રેરણાદાયી છે. કોટાના ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પિટલ ઓન વ્હીલ્સ એ પણ માનવ સેવાનું એક ઉત્તમ કાર્ય છે જે તમે રાજકીય કાર્ય સિવાય કરવાનું પસંદ કર્યું છે, તે પણ એક રીતે ગામેગામના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરી રહ્યું છે. તમે નિયમિત રીતે ગરોબોને કપડાં, ધાબળા, હવામાન અનુસાર છત્રીની જરુરિયાત છે તો છત્રી, પગરખાં જેવી અનેક સુવિધાઓ સમાજના છેલ્લા વર્ગના જે લોકો છે, તેમને શોધી-શોધીને પહોંચાડો છો. તમે તમારા વિસ્તારના યુવાનો માટે રમતગમતને પ્રોત્સાહિત કરવાને પ્રાથમિકતા બનાવી છે.

17મી લોકસભામાં તમારા ગત કાર્યકાળ દરમિયાન હું કહું છું કે તે સંસદીય ઈતિહાસનો સુવર્ણકાળ હતો. તમારી અધ્યક્ષતામાં સંસદમાં જે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે, તમારી અધ્યક્ષતામાં ગૃહ દ્વારા જે સુધારાઓ થયા છે, તે એક રીકે એક ગૃહનો પણ અને તમારો પણ વારસો છે અને ભવિષ્યમાં જ્યારે 17મી લોકસભાના સંદર્ભમાં વિશ્લેષણ થશે, તે અંગે લખાશે તો ભારતના ભવિષ્યને નવી દિશામાં આપવામાં તમારા નેતૃત્વવાળી 17મી લોકસભાની ઘણી જ મોટી ભૂમિકા હશે.

આદરણીય અધ્યક્ષ જી,

17મી લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ 2023, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય પુરાવા બિલ, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ બિલ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ ( અધિકારોનું રક્ષણ) ખરડો, ગ્રાહક સુરક્ષા ખરડો, પ્રત્યક્ષ કર, વિવાદ સે વિશ્વાસ ખરડો, આવા અનેક સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક કાયદાઓ 17મી લોકસભામાં તમારી અધ્યક્ષતામાં આ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યા છે અને દેશ માટે મજબૂત પાયો નાખ્યો છે. જે કામ આઝાદીના 70 વર્ષમાં નહોતું થયું તે તમારી અધ્યક્ષતામાં આ ગૃહે કરીને દેખાડ્યું છે.

આદરણીય અધ્યક્ષ જી,

લોકશાહીની લાંબી યાત્રામાં ઘણા તબક્કાઓ આવે છે. કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે આપણને રેકોર્ડ બનાવવાનો લહાવો મળે છે. મને વિશ્વાસ છે કે આજે પણ અને ભવિષ્યમાં પણ 17મી લોકસભાની સિદ્ધિઓ પર દેશને ગર્વ થશે. આજે જ્યારે દેશ તેની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારતને આધુનિક બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યો છે, ત્યારે હું માનું છું કે આ નવું સંસદ ભવન પણ અમૃતકાલનું ભવિષ્ય લખવાનું કામ કરશે અને તે પણ તમારી અધ્યક્ષતામાં. અમે બધા તમારી અધ્યક્ષતામાં નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા અને તમે સંસદની કામગીરીને અસરકારક અને જવાબદાર બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને તેથી લોકશાહીને મજબૂત કરવામાં મદદ મળી છે. આજે અમે પેપરલેસ ડિજિટલ સિસ્ટમ દ્વારા લોકસભામાં કામ કરી રહ્યા છીએ. તમે સૌપ્રથમ વખત માનનીય સાંસદોને બ્રીફિંગ માટે સિસ્ટમ બનાવી છે. આનાથી તમામ માનનીય સાંસદોને જરૂરી સંદર્ભ સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હતી. તેના કારણે ગૃહમાં ચર્ચા વધુ મજબૂત બની હતી અને આ તમારી સારી પહેલ હતી, જેના કારણે સાંસદોમાં પણ વિશ્વાસ પેદા થયો, હું પણ કંઈક કહી શકું છું, હું મારી દલીલો પણ આપી શકું છું. તમે એક સારી સિસ્ટમ વિકસાવી છે.

આદરણીય અધ્યક્ષ જી,

જી20 એ ભારતની સફળતાનું એક મહત્વપૂર્ણ પૃષ્ઠ છે. પરંતુ જેની ઘણી ઓછી ચર્ચા થઈ છે, તે પી20  અને તમારા નેતૃત્વમાં જી20 દેશોના જે પ્રમુખ અધિકારીઓ અને અધ્યક્ષોની પરિષદ તમારી અધ્યક્ષતામાં યોજાઈ હતી અને અત્યાર સુધી યોજાયેલી પી20ની તમામ પરિષદોમાં આ એક એવી તક હતી કે તમારા આમંત્રણ પર વિશ્વના મોટાભાગના દેશો ભારત આવ્યા હતા અને તે સમિટમાં ખૂબ જ સારા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને તેણે વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

આદરણીય અધ્યક્ષ જી,

આ આપણું ભવન, તે માત્ર ચાર દીવાલો નથી. આપણી આ સંસદ 140 કરોડ દેશવાસીઓની આશાનું કેન્દ્ર છે. સંસદની કાર્યવાહી, જવાબદારી અને આચરણ આપણા દેશવાસીઓની લોકશાહી પ્રત્યેની વફાદારીને વધુ મજબૂત બનાવે છે. તમારા માર્ગદર્શન હેઠળ, 17મી લોકસભાની ઉત્પાદકતા 97% હતી, જે 25 વર્ષમાં સર્વોચ્ચ સ્તર છે અને તે માટે તમામ માનનીય સભ્યો અભિનંદનને પાત્ર તો છે જ પરંતુ તમે વિશેષ અભિનંદનને પાત્ર છો. કોરોના જેવા મુશ્કેલ સમયમાં તમે દરેક સાંસદ સાથે ફોન પર વ્યક્તિગત રીતે વાત કરી અને તેમની સ્થિતિ વિશે પૂછ્યું. જ્યારે પણ કોઈ સાંસદની માંદગીના સમાચાર મળતા, ત્યારે ગૃહના અધ્યક્ષ તરીકે, તમે વ્યક્તિગત રીતે તેમની સંભાળ લીધી અને જ્યારે પણ હું તમામ પક્ષોના સાંસદો પાસેથી સાંભળતો ત્યારે મને ખૂબ ગર્વ થતો હતો કે તમે આ ગૃહના હેડ તરીકે તે કોરોના સમયગાળા દરમિયાન પણ વ્યક્તિગત ચિંતાઓ કરતા હતા. કોરોનાના સમયમાં પણ તમે ગૃહનું કામકાજ અટકવા દીધું નથી. સાંસદોએ પણ તમારા દરેક સૂચનને સ્વીકાર્યા, કોઈને ઉપરના માળે બેસવાનું કહેવામાં આવ્યું તો તે ત્યાં જઈને બેસી ગયા, કોઈને બીજી જગ્યાએ જઈને બેસવાનું કહેવામાં આવ્યું તો તે પણ બેસી ગયા, પરંતુ કોઈએ દેશનું કામ અટકવા દીધું નહીં. પરંતુ તમે લીધેલા નિર્ણયોના પરિણામે આપણે તે મુશ્કેલ સમયમાં પણ કામ કરી શક્યા છીએ અને ખુશીની વાત છે કે કોરોનાના સમયગાળા દરમિયાન ગૃહે 170% ઉત્પાદકતા હાંસલ કરી છે, આ પોતાનામાં જ વિશ્વના લોકો માટે એક મોટા સમાચાર છે.

આદરણીય અધ્યક્ષ જી,

અમે બધા ઈચ્છીએ છીએ કે ગૃહમાં આચરણ, ગૃહના નિયમોનું પાલન અમે સૌ કરીએ અને તમે ઘણી જ સટીકતાથી, સંતુલિત રીતે અને કેટલીકવાર કઠોરતા સાથે પણ નિર્ણયો લીધા છે. હું જાણું છું કે આવા નિર્ણયો તમને પણ પીડા આપે છે. પરંતુ ગૃહની ગરિમા અને વ્યક્તિગત પીડામાં તમે ગૃહની ગરિમાને પસંદ કરી અને ગૃહની પરંપરાઓ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, આ સાહસિક કાર્ય માટે પણ આદરણીય અધ્યક્ષ જી, તમે અભિનંદનને પાત્ર છો. મને વિશ્વાસ છે કે આદરણીય અધ્યક્ષ જી,  તમે તો સફળ થવાના જ છો. પરંતુ તમારી અધ્યક્ષતામાં આ 18મી લોકસભા પણ દેશના નાગરિકોના સપનાને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરશે.

આ મહત્વપૂર્ણ જવાબદારી માટે અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ ગૃહની અધ્યક્ષતા માટે હું તમને ફરી એકવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું!

હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું!

Exit mobile version