શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS દ્વારા સુરત ખાતે માનક દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો:
સ્થિર-અવિરત ઉત્પાદકતા અને ગુણવત્તાથી જ આત્મનિર્ભરતા સંભવ સુરતનો કાપડ ઉદ્યોગ સ્ટાન્ડર્ડ જાળવવાના કારણે જ તેજ ગતિથી વિકસ્યો છે , કોરોનાના કપરા સમય બાદ લોકોને ‘સ્ટાન્ડર્ડ હેલ્થ’નું મહત્વ સમજાયું:- કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ
ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ચાવીરૂપ ભૂમિકા:- BIS-સુરતના ડિરેક્ટર એસ.કે સિંહ
સુરતમાં ૧૨૧૦ જેટલા BIS લાયસન્સ ધારકો અને ૩૦૩૪ જેટલા હોલમાર્ક ધારક જ્વેલર્સ છે,
દેશભરમાં BIS લાયસન્સની સંખ્યા ધરાવતા ૪૨ હજાર એકમો: ૩૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવતા બીઆઈએસ ધારકો, BIS પ્રવૃત્તિઓમાં મહત્વનું પ્રદાન કરનારા કર્મયોગીઓને સન્માનિત કરાયા:
વર્ષ ૨૦૨૩માં ‘બહેતર વિશ્વ માટે સૌનો સહભાગી દ્રષ્ટિકોણ’ની થીમ પર આયોજિત આ સેમિનારમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને ગુણવત્તાયુક્ત ઉત્પાદન, પર્યાવરણ, સમગ્ર ઈકોસિસ્ટમને નુકસાન કર્યા વિના ટકાઉ અને સતત વિકાસથી સાકાર કરી શકાશે. સ્થિર-અવિરત ઉત્પાદકતા અને ગુણવત્તાથી જ આત્મનિર્ભરતા સંભવ છે. સુરતનો કાપડ ઉદ્યોગ સ્ટાન્ડર્ડ જાળવવાના કારણે જ તેજ ગતિથી વિકસ્યો છે.
BIS સુરતના ડિરેક્ટર અને અધ્યક્ષ એસ.કે.સિંહે જણાવ્યું હતું કે, ગ્રાહકો, ઉદ્યોગ એકમો, જાહેર અને ખાનગી સાહસો માટે વિશ્વ માનક દિને વિશેષ જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવે છે, અને ટકાઉ વિકાસ માટેના પ્રયાસોમાં યોગદાન આપવાની પ્રેરણા આપવામાં આવે છે. ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ચાવીરૂપ ભૂમિકા છે એમ જણાવી એસ.કે.સિંહે ઉમેર્યું કે, સુરતમાં ૧૨૧૦ જેટલા BIS લાયસન્સધારકો અને ૩૦૩૪ જેટલા હોલમાર્કધારકો સાથે દેશભરમાં BIS લાયસન્સની સંખ્યા ધરાવતા ૪૨ હજાર એકમો છે. ૩૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના સિન્ડીકેટ સભ્ય અને નવી સિવિલ ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ આરોગ્ય વિષયક જાણકારી આપતા જણાવ્યું હતું કે, શારીરિક, માનસિક અને સામાજિક રીતે ખુશ રહેવું એ શ્રેષ્ઠ તંદુરસ્તી છે. હાલ નાની વયે હાર્ટ એટેકના કેસો વધ્યા છે, જેના મૂળમાં અનિયમિત ઉંઘ અને આહાર, અનિયમિત જીવન શૈલી, રાતે મોડા સુધી જાગવું, અપૂરતી ઊંઘ, બજારના ખાનપાનનો વધતો ઉપયોગ જવાબદાર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
ઓ.એચ. નાઝર આયુર્વેદિક કોલેજના પ્રો.ડો. વિપુલ ડી. પાટીલે આદર્શ દિનચર્યા, આરોગ્ય જાળવતી ઉત્તમ જીવનશૈલી પર પ્રકાશ પાડ્યો હતો. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT) કોલેજના પ્રો.કૃપેશ ચૌહાણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન બિલ્ડીંગ અંગે વિચારો રજૂ કર્યા હતા.
IIIT-સુરતના ડિરેક્ટરશ્રી જે.એસ,ભટ્ટએ ઘર એ આપણા જીવનની પ્રથમ શાળા છે. ઘર અને શાળામાંથી જ જીવન ઘડતર, યોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન જીવવાના મૂલ્યો અને પાઠ શીખવા મળે છે એમ જણાવ્યુ હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નવસારીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહ, નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, બી.આઈ.એસ.-સુરતના જોઈન્ટ ડિરેક્ટર્સ સર્વશ્રી સૃષ્ટિ દીક્ષિત અને સત્યેન્દ્ર પાંડે, બીઆઈએસ ધરાવતા યુનિટો અને જાગૃત્ત ઉદ્યોગકારો, બીઆઈએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) શું છે?
BIS-બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે. તેની સ્થાપના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ-૧૯૮૬ હેઠળ થઈ છે, BIS ૨૩ ડિસેમ્બર-૧૯૮૬ ના રોજ અમલમાં આવી હતી. આ સંસ્થા અગાઉ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યુશન (ISI) ના નામે ઓળખાતી હતી. તે વિવિધ સ્ટાન્ડર્ડ બનાવવા અને અમલીકરણ, ઉત્પાદનો અને સિસ્ટમો બંને માટે પરીક્ષણ અને સર્ટિફિકેટ આપવા, ટેસ્ટીંગ લેબોરેટરીઓનું સંગઠન અને મેનેજમેન્ટ, તાલીમ પ્રવૃત્તિઓ, ગ્રાહક જાગૃત્તિ અને ઈન્ટરનેશનલ માનક સંસ્થાઓ સાથે ગાઢ સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે.