Site icon Gramin Today

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ROB અને PIB ગુજરાત રિજિયન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિયોનલ આઉટરીચ બ્યુરો (આર.ઓ.બી.) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પી.આઈ.બી.) ગુજરાત રિજિયન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું:

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 દ્વારા કાર્યક્રમમાં  “फिटनेस की डोज, आधा घंटा रोज” ની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી;

આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તેમજ સાથે-સાથે ફિટ ઇન્ડિયા અભિયાન પણ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ બંને ઝૂંબેશને સાંકળી લઈને 13મી ઑગસ્ટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ના દેશવ્યાપી કાર્યક્રમનો શુભારંભ થયો હતો અને ત્યારબાદ દેશભરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનના આયોજનો થઈ રહ્યા છે. આ અંતર્ગત ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિયોનલ આઉટરીચ બ્યુરો (આર.ઓ.બી.) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પી.આઈ.બી.) ગુજરાત રિજિયન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં નહેરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ આર.ઓ.બી. અને પી.આઈ.બી.ના અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો.

સાબરમતી આશ્રમ રિવરફ્રન્ટથી લઈને વલ્લભ સદન સુધી ફિટ ઇન્ડિયા દોડનું આયોજન થયું હતું, જેમાં લગભગ સાડા ત્રણ કિલોમીટર સુધીના રૂટ પર હાથમાં રાષ્ટ્રભક્તિના પ્લેકાર્ડસ અને ત્રિરંગા સાથે સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડ શરૂ થયા અગાઉ આઝાદીની રક્ષા કરવાના તથા તંદુરસ્તી માટે દરરોજ અડધો કલાક ફાળવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તથા રિજિયોનલ આઉટરીચ બ્યુરોના ગુજરાત રિજિયનના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા ઝૂંબેશના ભાગ રૂપે આ ફિટ ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો ઉદ્દેશ રાષ્ટ્રભવાના જગાવવાની સાથે નવી પેઢી આપણા આઝાદીના ઇતિહાસથી પરિચિત થાય અને સાથે-સાથે તંદુરસ્તીના મામલે પણ જાગૃત થાય એ છે.

રિજિયોનલ આઉટરીચ બ્યુરોના ડાયરેક્ટર ઇન્ચાર્જ શ્રીમતી સરિતા દલાલે જણાવ્યું કે આઝાદીના પુરસ્કર્તા એવા ગાંધી બાપુની કર્મભૂમિના આંગણેથી આ દોડ શરૂ થઈ રહી છે ત્યારે બાપુ, સરદાર તથા અનેક નામી-અનામી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવાનો આ ઉચિત અવસર છે. ગુજરાતના નહેરૂ યુવા કેન્દ્રના વડા શ્રીમતી મનીષાબેન શાહે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. દોડ બાદ રાષ્ટ્રગાન પણ ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું.

Exit mobile version