Site icon Gramin Today

વંદે ગુજરાત પ્રદર્શન સંગ ‘સખી મેળા’નો રસાસ્વાદ માણવા સાથે ‘વોકલ ફોર લોકલ’ બનવાનો અવસર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

‘વંદે ગુજરાત પ્રદર્શન’ સંગ ‘સખી મેળા’નો રસાસ્વાદ માણવા સાથે ‘વોકલ ફોર લોકલ’ બનવાનો અવસર ; 

આહવા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામા ઉપાડેલી મુહિમ રંગ લાવી રહી છે. ગુજરાતમા અને તેમાયે ડાંગ જિલ્લામા તો ‘સખી મંડળો’મા જોડાઈને હજારો ગ્રામીણ મહિલાઓ ‘આત્મનિર્ભર’ બની રહી છે. તો આવો મહિલાઓને અનોખુ ગૌરવ અને આત્મસન્માન પ્રદાન કરતી મિશન મંગલમ યોજના ના ડાંગ જિલ્લાના સમગ્રતયા ચિત્ર ઉપર એક નજર કરીએ.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સને ૨૦૧૦મા ‘મિશન મંગલમ યોજના’ અમલમા મુકવામા આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોની ગ્રામીણ મહિલાઓને જૂથોમા સંગઠીત કરી, તેઓને બચત અને આંતરિક ધિરાણની પ્રવૃત્તિ સાથે જોડી, એક સમાન ઉદેશ અને આર્થિક જરૂરિયાતની આપૂર્તિ માટે સ્વસહાય જુથ રચી, તેમનુ ક્ષમતાવર્ધન કરી જૂથોને સક્ષમ બનાવવામા આવે છે.

આવા ‘સખી મંડળો’ને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બેંક લોન અને ૧૦૦ ટકા વ્યાજ સહાય, સાથે લોનમા સ્ટેમ્પ ડ્યુટીની માફી આપી, આજીવિકા પૂરી પણ પાડવામા આવે છે.

ડાંગ જિલ્લામા ૩૮૦૦ જેટલા સ્વસહાય જૂથોની રચના કરવામા આવી છે. જેમા ૩૮૦૦૦ જેટલી ગ્રામીણ મહિલાઓ જોડાયેલી છે. તાજેતરમા ડાંગ જિલ્લામા ક્રેડીટ કેમ્પનુ આયોજન કરી ૩૬૦ જૂથોને, બેંકો દ્વારા રૂ.૩૬૦ લાખની લોન આપવામા આવી હતી.

ડાંગ જિલ્લામા અત્યાર સુધી ૩૧૮૫ જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ.૩૧૯.૪૮ લાખ જેટલી માતબર રકમ આપવામા આવી છે. આજની તારીખે ૧૫૭૬ જેટલા સ્વસહાય જૂથો  વિવિધ પ્રવૃત્તિઓ સાથે આજીવિકા મેળવી રહ્યા છે.

ગુજરાત સરકારની છેલ્લા ૨૦ વર્ષની વિકાસ યાત્રાનુ ‘વંદે ગુજરાત પ્રદર્શન’ તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ અર્થે, ગુજરાત રાજ્ય સ્થાપના દિન-તા.૧લી મે એ, મુખ્યમંત્રીશ્રી દ્વારા પાટણથી પ્રારંભાયેલી ‘સખી મેળા’ની આ શ્રુંખલા ડાંગને આંગણે આવી પહોંચી છે.

આહવાના ડાંગ સેવા મંડળના પરિસરમા ૫૦ જેટલા વિવિધ વાનગીઓ, હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓના વેચાણ-પ્રદર્શન સ્ટોલ્સ લોકાઆકર્ષણ જમાવી રહ્યા છે.

આ મેળામા ડાંગ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી પણ હસ્તકળા, હેન્ડલૂમ, વિવિધ ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહીલા જૂથો આ મેળાનો હિસ્સો બનવા પધાર્યા છે. તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજ વસ્તુઓ, આ મેળામા એક જ સ્થળેથી જોવા અને ખરીદવાની તક, ચૂકવા જેવી નથી.

તા.૧૫ જુનથી ૨૧ જુન, ૨૦૨૨ સુધી સવારના ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન ચાલનારા આ ‘સખી મેળા’ની મુલાકાત લઈ, વોકલ ફોર લોકલ બનવાનુ સૌને ઇજન છે.

Exit mobile version