Site icon Gramin Today

ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અવસરે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

ગુજરાતે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની આગવી પહેચાન વિશ્વને કરાવી છે. -: જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી

ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અવસરે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો;

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉનહોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા- ભરૂચના સંયુકત ઉપક્રમે યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડૃયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ ગુજરાતની ગૌરવશાળી ગરીમાને ઉજાગર કરતાં પાવનપર્વ ગુજરાત ગૌરવ દિવસના અવસરે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની આગવી પહેચાન વિશ્વને કરાવી છે. આજે દુનિયાભરના દેશના પ્રતિનિધિઓ ગુજરાત મોડેલની જાણકારી મેળવવા ગુજરાતની મુલાકાત લે છે તેમ જણાવ્યું હતું.


મંત્રીશ્રીએ મહાગુજરાત ચરવળના શહિદોને યાદ કરી ભાવાંજલિ આપતા ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નિલકંઠ જેવા આગેવાનોએ ઓગષ્ટ તા.૮ ૧૯૫૬ થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્સમય અહિંસક લડત આપ્યા બાદ ૧ લી મે ૧૯૬૦ ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો છે, તેમ જણાવ્યું હતું.
ગુજરાત મહાપુરુષોની ભૂમિ છે તેમ જણાવતા મંત્રીશ્રીએ પૂ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા લોકસેવકોને યાદ કરી ક.મા.મુનશી, છોટુભાઈ પુરાણી અને છોટેસરદાર ભરૂચના ગૌરવ હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ ગુજરાતનો ઇતિહાસ અનેકવિધ દ્રષ્ટાંતો સાથે સમજૂત કર્યો હતો.


ગુજરાતના વિકાસમાં અનેક લોકોએ યથાશક્તિ પોતાનો યોગદાન આપ્યું છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના પરિણામે ગુજરાત આજે વૈશ્વિકસ્તરે નવા સોપાનો સર કરી રહ્યું છે. આજે સૌ કોઈ ગુજરાતી કહી શકે કે કોઈ ક્ષેત્ર એવું નહિ હોઈ કે જેમાં ગુજરાતનું અદકેરૂં સ્થાન ન હોય. કોરોનાની મહામારીમાં પણ ગુજરાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી હતી. આજે ગુજરાત સ્થાપના દિને પ્રત્યેક ગુજરાતી બાંધવને ગર્વ થાય કે, આપણું ગુજરાત દેશના જ નહીં, સમગ્ર વિશ્વના અર્થતંત્રનું ચાલકબળ બનીને ઉભરી આવ્યું છે તેમ દઢતાપૂર્વક જણાવ્યું હતું. મંત્રીશ્રીએ અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર વિકાસની રાજનીતિમાં આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવતા તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરી છે. વણથંભી વિકાસયાત્રા ધ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચ્યા છે તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા રાજયનો પ્રત્યેક નાગરિક સમર્પણભાવથી પુરુષાર્થ કરવાનો સંકલ્પ લે તેમ જણાવ્યું હતું.
નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે ગુજરાત ગૌરવ દિવસની નગરજનોને શુભકામનાઓ પાઠવતાં ગુજરાત જનકલ્યાણને વરેમું રાજ્ય છે. આજે આખો દેશ ગુજરાત મોડલને સ્વીકારે છે. સૌથી સુરક્ષિત રાજય ગુજરાત હોવાનું જણાવી દઢ ઈચ્છાશક્તિ સાથે વિકાસની યાત્રાને અવિરત રાખી છે એ જ ગુજરાતની ગૌરવયાત્રા છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ કોવિડ-૧૯માં સ્મશાનગૃહમાં કામગીરી કરનાર શ્રી ધર્મેશભાઇ સોલંકીનું મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ડો.મિતુલ ત્રિવેદી રચીત વેદ શાસ્ત્રમાં વિજ્ઞાન પુસ્તકનું વિમોચન તથા પિનાકી મેઘાણી સંકલિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો સિંધુડો પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રી, નાયબ મુખ્ય દંડકશ્રી, સાંસદશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અંતમાં આભારવિધિ પ્રાંત અધિકારીશ્રી યુ.એન.જાડેજાએ કરી હતી.
આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ,નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પ્રભારીશ્રી જનકભાઇ, લોકગાયકશ્રી અભેસિંહ રાઠોડ, પિનાકી મેધાણી, નગરપાલિકાના સદસ્યો, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમ બાદ લોકગાયકશ્રી અભેસિંહ રાઠોડ અને કલાવૃંદ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. જેને મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી સહિત મહાનુભાવો – નગરજનોએ માણ્યો હતો.

Exit mobile version