Site icon Gramin Today

બેસણા ગામેથી પ્રારંભ થયેલી વિકાસયાત્રા મંડાળા ગામે આવી પહોંચતા લોકો દ્વારા વિકાસ રથનું કરાયુ સ્વાગત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

“વંદે ગુજરાત વિકાસયાત્રા” ના ત્રીજા દિવસે જિલ્લા પંચાયતની મંડાળા બેઠકના ૧૦ ગામોમાં વિકાસ રથનું ભ્રમણ: 

બેસણા ગામેથી પ્રારંભ થયેલી વિકાસયાત્રા મંડાળા ગામે આવી પહોંચતા ગામલોકો દ્વારા વિકાસ રથનું કરાયું ભવ્ય સ્વાગત;

“વંદે ગુજરાત” વિકાસ યાત્રાના ત્રીજા દિવસે વિકાસ રથ જિલ્લા પંચાયતની મંડાળા બેઠકમાં આવતા ૧૦ ગામોમાં ભ્રમણ કરીને મંડાળા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું હતું. મંડાળા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, મંડાળા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રમીલાબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્યશ્રી સંજયભાઈ વસાવા, મામલતદારશ્રી એસ.વી. વીરોલા, સ્થાનિક અગ્રણીશ્રી ઇશ્વરભાઇ વસાવા તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો. આ તકે પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત થકી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

                 કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાંના લોકોની ચિંતા કરી છેવાડાના માનવી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જે યોજનાઓનો આજના ટેકનોલોજીના યુગમાં છેવાડાનો માનવી પણ સત્વરે અને મહત્તમ લાભ લઈ શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિકાસયાત્રાનો રથ આજે ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે સરકારશ્રીની અમલી વિવિધ યોજનાઓનો ગામે ગામ મહત્તમ પ્રચાર પસાર થાય તેવો ઉદ્દેશ આ વિકાસ રથનો રહેલો છે. આ ઉત્સવમાં સૌ કોઇને જોડાવા અને સરકારી યોજનાથી જેઓ હજી પણ વંચિત રહી ગયા છે તેવા લોકોને સરકારી યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવાની તેમણી હિમાયત કરી હતી.

 આ અવસરે અંદાજે રૂપિયા ૪ લાખના ખર્ચે તૈયાર થનારા મીની જલધારા અને આરસીસી રસ્તાના કામોનું ખાતમુર્હૂત જ્યારે રૂપિયા ૨.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ બોર મોટરના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ માતૃશક્તિ યોજનાના ૧૦ લાભાર્થી બહેનો, ૪ ખેડૂત લાભાર્થી, આવાસ યોજના અને માનવ ગરીમા યોજનાના ૬ લાભાર્થીઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૮ લાભાર્થી અને વિજ જોડાણના ૬ તેમજ ઉજ્જ્વલા યોજનાના ૪ લાભાર્થીઓ મળી કુલ ૩૮ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે મંજૂરીપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

               “વંદે ગુજરાત વિકાસયાત્રા” રથનું મંડાળા ગામે આગમન થતાં ગામના આગેવાનો અને શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકા મામલતદારશ્રી એસ.વી વિરોલાએ કાર્યક્રમની રૂપરેખા આપી સરકારની વિવિધ યોજનાલક્ષી માહિતી પૂરી પાડી હતી. સાથે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને વિવિધ યોજનાના અમલીકરણ અધિકારીઓએ સુચારુ સંકલન કરી છેવાડાના માનવીને સરકારશ્રીની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં મહેમાનોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગ સેજપુરના આર.એફ.ઓ.શ્રી રમેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વંદે ગુજરાત વિકાસયાત્રામાં સાથે ફરી રહેલા વૃક્ષ રથમાંથી ગામલોકોને રોપા વિતરણ કરી વૃક્ષારોપણ માટે અને તેના જતન માટે અપીલ કરાઈ હતી.

Exit mobile version