Site icon Gramin Today

સુરતમાં નાઈટ મેરેથોન-૨૦૨૨ ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત 

સુરતમાં નાઈટ મેરેથોન-૨૦૨૨ ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.:ગૃહ રાજયમંત્રી

આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને તાલીમ માટે ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવાશે : ગૃહ રાજયમંત્રી

સુરત: તા.૧લી મે-ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ દ્વારા ”નો-ડ્રગ્સ, સેફ, ફિટ & સ્માર્ટ સિટી”ના હેતુથી આયોજિત ‘નાઈટ મેરેથોન-૨૦૨૨’ ને ગૃહ, રમતગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પીપલોદ વિસ્તાર સ્થિત ગોવર્ધન હવેલીથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને વિવિધ થીમ મુજબ સુશોભિત કરાયા હતા. ૫, ૧૦ અને ૨૧ કિ.મી. અંતરની મેરેથોન માટે અંદાજિત ૪૦ હજારથી પણ વધુ સુરતી દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે સુરતીઓ વિશ્વાસ, ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફ્રી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે. વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને તાલીમ માટે ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવી પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમરે કહ્યું હતું કે, સુરતવાસીઓની ઊર્જા અદ્ભૂત અને સંકલ્પની ભાવના પ્રેરણાદાયી છે. સુરત શહેર પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી હરહંમેશ તત્પર છે એમ જણાવતાં તેમણે શહેરના તમામ યુવાઓને ડ્રગ્સની લતથી દુર રહી હમેશા ફીટ રહેવાનો સંદેશ આપ્યો હતો.


આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, મ્યુ. કમિશનરશ્રી બંછાનિધી પાની, જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશભાઈ કદમ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને સવજીભાઈ ધોળકિયા, સુરત શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી જિગ્નેશભાઈ પાટીલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ, વિખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે, અને હજારો  ઉત્સાહી દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version