Site icon Gramin Today

સાપુતારાના પ્રવાસીઓ માટે ‘ગુડ ન્યુઝ’:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાપુતારાના પ્રવાસીઓ માટે ‘ગુડ ન્યુઝ’:

સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓના હકારાત્મક આભિગમને કારણે રોપ-વે એક્ટીવીટી પુનઃ શરૂ :

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓમા અનેરું આકર્ષણ ધરાવતી ગુજરાતની પ્રથમ રોપ-વે એક્ટિવિટી પુનઃ શરૂ કરવાની બાબતને લીલીઝંડી મળી ગઈ છે.

વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ સહિત ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયાસોને કારણે સાપુતારાના સહેલાણીઓ, અને સ્થાનિક વેપારીઓની લાગણી અને માંગણીને રાજ્ય સરકાર સુધી પહોંચાડતા, સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક અભિગમને કારણે, ગિરિમથક ખાતે રોપ-વે એક્ટિવિટી પુનઃ શરૂ થવા જઈ રહી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી, ડાંગના માર્ગદર્શન અને સૂચન અનુસાર ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રીકલ ઇન્સપેકટર-વડોદરા દ્વારા મળેલા જોઈન્ટ ઇન્સપેક્શન રિપોર્ટ, ઉપરાંત પ્રાદેશિક અગ્નિશમન અધિકારી-સુરતના અભિપ્રાય અનુસાર, ગિરિમથક ખાતે રોપ-વે પ્રવૃતિ પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધા હરકત ન હોઈ, ગુજરાત એરિયલ રોપ-વે એક્ટ-૧૯૫૫ની જોગવાઇઓને આધિન, જીવન સુરક્ષાના ધોરણો જળવાય તે બાબત સુનિશ્ચિત કરી, ગિરિમથક ખાતે રોપ-વે પ્રવૃતિ પુનઃ શરૂ કરવાની જિલ્લા પ્રશાસને સંબંધિત કંપનીને પરવાનગી આપી છે.

આગામી દિવસોમા સાપુતારાની બોટિંગ સહિતની પ્રવૃત્તિને પણ નિયમોનુસાર પુનઃ શરૂ કરી, પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓની લાગણી અને માંગણીને ન્યાય આપવાના પ્રયાસો હાથ ધરાયા છે તેમ, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતુ.

Exit mobile version