Site icon Gramin Today

સાકરપાતળ રેન્જમાં RTIને લઈને ગંભીર વિવાદ, માહિતી ન મળતાં અરજદારે પ્રથમ અપીલનો સહારો લીધો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાકરપાતળ રેન્જમાં RTIને લઈને ગંભીર વિવાદ, માહિતી ન મળતાં અરજદારે પ્રથમ અપીલનો સહારો લીધો:

દિનકર બંગાળ, આહવા: દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળની સાકરપાતળ રેન્જમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ માહિતી ન મળવાના આક્ષેપો વચ્ચે વિવાદ ઊભો થયો છે.

અરજદારના જણાવ્યા મુજબ તેમણે તા. ૧૪ મે, ૨૦૨૬ના રોજ વિકાસલક્ષી કામોને લગતી માહિતી મેળવવા RTI અરજી કરી હતી. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તા. ૨૬ મેના રોજ પત્ર મોકલી ૧ જૂનના રોજ દસ્તાવેજોના નિરીક્ષણ માટે કચેરીએ હાજર રહેવા જણાવ્યું હતું. અરજદારનો દાવો છે કે તેઓ નિર્ધારિત સમયે કચેરીએ પહોંચ્યા છતાં સંબંધિત અધિકારી હાજર ન હતા અને નવી તારીખની જાણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ આજદિન સુધી ન તો નવી તારીખ અંગે કોઈ જાણ કરવામાં આવી અને ન તો માંગવામાં આવેલી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું અરજદારનું કહેવું છે. અનેક વખત કચેરીનો સંપર્ક કરવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં અરજદારે નાયબ વન સંરક્ષક, આહવા સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી છે.

અરજદારનો આક્ષેપ છે કે માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનું પાલન ન થતાં પારદર્શિતા અને જાહેર જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવા તેમજ માંગવામાં આવેલી માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ તેમણે માંગ કરી છે. હવે પ્રથમ અપીલ અધિકારી દ્વારા લેવામાં આવનારા નિર્ણય પર સૌની નજર મંડાઈ છે. વન વિભાગ તરફથી આ મામલે સત્તાવાર પ્રતિસાદ મળ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ વધુ સ્પષ્ટ બનશે.

Exit mobile version