શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે ભવ્ય લોક ડાયરાનો જાજરમાન મહોત્સવ:
સંગીતપ્રેમીઓમાં ઉમંગ અને ભક્તિનો અદભૂત મેળાપ:
કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ દર્શાવતો ભવ્ય લોક ડાયરો ઉત્સાહભેર યોજાયો હતો. ગામના નીચલા ફળિયામાં યુવાનોના અખંડ સહકાર અને સેવાભાવથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે, જે ગામની એકતા અને શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે.
આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્ય ગામના સરપંચ મહેશભાઈ તથા ગામજનોના અવિરત સહયોગથી શક્ય બન્યું છે. અગાઉ પણ અહીં ભક્તિમય વાતાવરણમાં શ્રી રામ કથાનું પારાયણ યોજાઈ ચૂક્યું છે. આ ધાર્મિક પરંપરાને આગળ વધારતા 18મી તારીખે સાંજે લોકપ્રિય ભજનિક કલાકાર ગોપાલ સાધુના સુરીલા સ્વરોમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત વિધિ મુજબ દીપ પ્રાગટ્યથી કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રસંગે આર.પી.સેલના દેવરાજભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું. ગોપાલ સાધુ તથા તેમના સિયારામ ગ્રુપના પ્રતિભાશાળી કલાકારો તબલાવાદક ગોવિંદ સાધુ, વિશાલ ભગરીયા, બેન્જોવાદક સંજયભાઈ, હાસ્ય કલાકાર નરેશભાઈ આહીર, મંજીરાવાદક સુનીલભાઈ અને જયેશભાઈએ પોતાના અનોખા અંદાજથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.
હિન્દી અને ગુજરાતી ભજનો, ભાવસભર ગઝલો અને લોકપ્રિય ગીતોની સરસ રજૂઆતથી સમગ્ર માહોલ સંગીતમય બની ગયો હતો. સંગીતના મધુર સુરોએ શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દીધા અને સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ.
કાર્યક્રમને ગામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકોએ ઉમંગભેર પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ગોપાલ સાધુએ ગામજનોની મહેનત, સમર્પણ અને એકતાની પ્રશંસા કરી અને આવા ભવ્ય આયોજન બદલ મીંઢાબારી ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

