શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વઘઈ ફોરેસ્ટ રેન્જની સતર્કતા રંગ લાવી: ચાલક ફરાર, પણ ગેરકાયદે ખેરના લાકડાં સાથે પીકઅપ જપ્ત
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં વન સંપત્તિના સંરક્ષણ માટે વન વિભાગે ગેરકાયદે લાકડાના પરિવહન સામે એક વધુ અસરકારક અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવાના નાયબ વન સંરક્ષકના સુચક માર્ગદર્શન અને કડક દેખરેખ હેઠળ વઘઈ રેન્જના ફોરેસ્ટ ઓફિસરની સતર્કતા અને સ્ટાફનુ ચુસ્ત આયોજન સાથે સફળ ઓપરેશન પાર પાડ્યું છે, જે વન સુરક્ષામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત–મહારાષ્ટ્ર સીમા તરફ જતા વ્યસ્ત માર્ગ પર આવેલ ભૂરભેંડી વિસ્તારમાં તા.૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુપ્ત બાતમીના આધારે વન કર્મચારીઓએ વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. દરમિયાન, MH-04-HD-7786 નંબરની બોલેરો પીકઅપ ગાડી અતિશય ઝડપે શંકાસ્પદ રીતે પસાર થતી નજરે પડતાં જ સ્ટાફે તાત્કાલિક સતર્કતા દાખવી તેનો પીછો કર્યો હતો.
વનકર્મચારીઓના દબદબાથી ગભરાયેલ ગાડીચાલકે ભૂરભેંડી–પંગારે માર્ગ પર ગાડી સાઈડમાં મૂકીને અંધકારનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો અને ભાગવામાં સફળ રહ્યો. ત્યારબાદ ગાડીની વિગતવાર તપાસ કરતા તેમાં કોઈપણ કાનૂની પાસ-પરમિટ વગર ખેરના લાકડાના કુલ ૨૬ નંગ મળી આવ્યા, જેનું કુલ ઘનફળ ૧.૩૭૮ ઘનમીટર નોંધાયું હતું.
વન વિભાગે જપ્ત કરેલ આ લાકડાની અંદાજિત કિંમત રૂપિયા ૪૫,૦૦૦ ગણવામાં આવી છે, જ્યારે પીકઅપ ગાડીની કિંમત આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦ હોવાનું માનવામાં આવેલ છે. આ રીતે કુલ રૂપિયા ૨,૯૫,૦૦૦ જેટલો મુદ્દામાલ વન વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ફરાર થયેલ આરોપીની શોધખોળ માટે તંત્ર દ્વારા ઝડપી પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે. આ કામગીરીથી ગેરકાયદે વન સંપત્તિના શોષણ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે અને વન વિભાગની સજાગતા અને વનોની રક્ષાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.

