શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના ડાંગ પ્રવાસનો વીડિયો બન્યો વિવાદનું કારણ, વહીવટી તંત્ર સામે સવાલ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રવાસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. મંદિર દર્શનથી લઈને મહાનુભાવોની પ્રતિમાઓ અને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ સુધીના કાર્યક્રમોમાં ભાજપના કમળ ચિહ્નવાળા કેસરી ખેસ પહેરેલા કાર્યકરોની હાજરી અને તેમની સાથે જિલ્લા કલેક્ટર, DDO તથા મામલતદાર સહિતના સરકારી અધિકારીઓની ઉપસ્થિતિએ વહીવટી તટસ્થતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિક માધ્યમ ‘ડાંગ ડાયરી’ના વિડિયોને આધાર બનાવી દેવલપાડાના મનિષભાઈ કરમશીભાઈ મારકણાએ ડાંગ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યપાલ અને મુખ્ય નિર્વાચન અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
અરજદારે સવાલ ઉઠાવ્યો છે કે મંત્રીશ્રીનો પ્રવાસ સરકારી હતો કે ભાજપનો પક્ષીય કાર્યક્રમ? જો સરકારી કાર્યક્રમ હતો તો રાજકીય પ્રતીકો અને પક્ષીય ખેસધારી કાર્યકરોની હાજરી કેમ? અને જો પક્ષીય કાર્યક્રમ હતો તો સરકારી અધિકારીઓની હાજરી કયા પ્રોટોકોલ હેઠળ હતી?
અરજદારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી પ્રવાસનું વાસ્તવિક સ્વરૂપ જાહેર કરવા અને નિયમભંગ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની માંગ કરી છે. રજૂઆત સાથે વિડિયોના સ્ક્રીનશોટ અને ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે જોડવામાં આવ્યા છે.
હવે સવાલ એ છે કે સરકારી વહીવટી તંત્રની હાજરી માત્ર સત્તાવાર ફરજનો ભાગ હતી કે કાર્યક્રમમાં રાજકીય અને વહીવટી વ્યવસ્થાની સરહદો ધૂંધળી બની હતી? આ મામલે રાજ્ય સરકાર શું વલણ અપનાવે છે તેના પર ડાંગની નજર મંડાઈ છે.

