Site icon Gramin Today

ભાણપુર અને ઉખલદા ગામના રસ્તાઓના ખાતમુહુર્ત કરતા રાજ્યના આદિજાતિ વિકાસમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ 

સોનગઢના ભાણપુર અને ઉખલદા ગામના રસ્તાઓના ખાતમુહુર્ત કરતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ. 
ભાણપુર અને ઉખલદા વિલેજ ઈન્ટરનલ રોડ રૂા.૧.૩૫ કરોડના ખર્ચે નિર્માણ કરાશે.ઉંચામાળાથી ઉખલદા ૭.૫૦ મીટર પહોળા રોડની દરખાસ્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચોતરફ વિકાસ કાર્યનો પ્રારંભ:

વ્યારા: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભાણપુર અને ઉખલદા ગામના આંતરિક રસ્તાઓ રૂા.૧.૩૫ કરોડના ખર્ચે નિર્માણ કાર્યનું ખાતમુહુર્ત આજરોજ રાજ્યના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.
ભાણપુર અને ઉખલદા ગામે ખાતમુહુર્ત સમારોહને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. વર્ષોથી અહીંના ગામોના પ્રશ્નો હતા જે સરકારમાંથી મંજૂર કરાવવામાં આવ્યા છે. ખેડૂતો માટે કુવા, સોલાર લાઈટ, સખીમંડળો માટે રાઈસમીલ, ડાંગરની ખરીદી, દાળમીલનું પણ આયોજન કરાયું છે. આગામી દિવસોમાં આ વિસ્તારની કાયાપલટ કરાશે.

વધુમાં આ વિસ્તારમાં સૈનિક સ્કુલ શરૂ કરવાનું પણ આયોજન છે. કંસરી માતાના મંદિરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનામાં વિનામૂલ્યે રસીથી લોકોને બચાવ્યા છે. સૌના સાથ અને સહકારથી હંમેશા આ ગામોના વિકાસ માટે કટીબધ્ધતા વ્યક્ત કરૂં છું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના ૨૦૧૭-૧૮ હેઠળ આજે રસ્તાઓના ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. વ્યારા સુગર ફેકટરી માટે રૂા.૩૦ કરોડ મારા આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવ્યા છે. આપણે સૌ સાથે મળી તેનો ઉકેલ લાવશું.


માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રી નિખિલ પંચાલે રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભાણપુર ગામે રૂા.૪૫ લાખ અને ઉખલદા ગામે રૂા.૯૦ લાખ મળીને કુલ રૂા.૧.૩૫ કરોડના ખર્ચે ગ્રામજનો માટે આંતરિક રસ્તાઓ તૈયાર થશે. રીટેન્ડરીંગ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. બે માસમાં આ કામ પૂર્ણ થશે. આમ હવે લોકોનો વર્ષો જુના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો છે.
ખાતમુહુર્ત સમારોહમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, જિગ્નેશભાઈ દોણવાલા, વેચ્યાભાઈ, જમાપુર, સીંગપુર, કિકાકુઈ, સરપંચશ્રીઓ, તાલુકા સભ્ય હસમુખભાઈ, લાયઝન ઓફિસર નીતીશકુમાર, નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત તરૂણભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા. ભાણપુર અને ઉખલદા શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત રજુ કર્યા હતા. મહાનુભાવોએ તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી હતી.

પત્રકાર: કીર્તનકુમાર તાપી,

Exit mobile version