શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિનંદન સંદેશ: ‘પ્રોજેક્ટ મિલાપ’થી ૧૩ વર્ષ પછી વાનરચોંડનો દીકરો પરિવારને પરત
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોંડ ગામ માટે આજે ખુશીના આંસુ વહાવવાનો દિવસ બન્યો છે. ૧૩ વર્ષ પહેલા ગુમ થયેલો એક યુવક અંતે ડાંગ પોલીસની અવિરત મહેનત અને માનવતાભરી કામગીરીના કારણે પરિવારની ગોદમાં ફરી પાછો ફર્યો છે. આ હૃદયસ્પર્શી સફળતા બદલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સોશિયલ મીડિયા મારફતે ડાંગ પોલીસને દિલથી અભિનંદન પાઠવ્યા છે. વર્ષો પહેલાં BBAનો અભ્યાસ કરતી વખતે વ્યક્તિગત અસંતોષ અને માનસિક ઉથલપાથલના કારણે યુવક ઘર છોડીને નીકળી ગયો હતો. દિવસો મહીનાઓમાં બદલાયા, મહીનાઓ વર્ષોમાં ફેરવાયા, પરંતુ પરિવારની આંખોમાંથી દીકરાની રાહ ક્યારેય ઓછી થઈ નહોતી. દરેક તહેવાર, દરેક દિવસ એક જ આશા સાથે પસાર થતો રહ્યો.
આ લાંબી અને અંધકારી રાહનો અંત ડાંગ પોલીસ દ્વારા અમલમાં મુકાયેલા “પ્રોજેક્ટ મિલાપ” થી આવ્યો. નિષ્ઠા, ધીરજ અને માનવ સંવેદનાને કેન્દ્રમાં રાખી કરવામાં આવેલી તપાસના પરિણામે યુવકને શોધી કાઢવામાં આવ્યો અને પરિવાર સાથે ફરી એક વાર મિલન કરાવવામાં આવ્યું.
આ સફળતા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ માત્ર પોલીસિંગ નથી, પરંતુ સંવેદના, વિશ્વાસ અને આશાનો મિલાપ છે.” તેમણે આ માનવતાભરી કામગીરી બદલ ડાંગ પોલીસની ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગ પોલીસની આ કામગીરીએ માત્ર એક પરિવારને જ ખુશી પરત આપી નથી, પરંતુ સમગ્ર સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ, માનવતા અને આશાનો સંદેશ ફરી જીવંત કર્યો છે. કાયદાની સાથે કરુણા પણ ચાલે એનું જીવંત ઉદાહરણ આજે ડાંગ પોલીસ બની છે.

