Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં “ ટીકા ઉત્સવ “ ના પ્રથમ દિવસે ૪૧૪૮ લોકોનું કરાયું રસીકરણ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં “ ટીકા ઉત્સવ “ ના પ્રથમ દિવસે ૪૧૪૮ લોકોનું કરાયું રસીકરણ: બીજે દિવસે સોમવારે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ૯૬૪ લોકોનું કરાયું રસીકરણ;

નર્મદા જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલું ૫૬ ટકા કોરોના વિરોધી રસીકરણ;

કોવિડ-૧૯ ની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, રસીથી કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી: -નાયબ પોલીસ અધિક્ષકશ્રી 

 રાજપીપલા,સોમવાર :- નોવેલ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ, ૨૦૨૧ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોવિડ-૧૯ ના રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે ગરૂડેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા વાઘપુરા સહિત જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ-૨૦૫ જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વિરોધી રસીકરણ હાથ ધરાયું છે. તેની સાથોસાથ કોવિડ-૧૯ ના RTPCR ટેસ્ટ પણ થઇ રહ્યાં છે. ગઇકાલે તા.૧૧ મી ના રોજ પ્રારંભાયેલા “ટીકા મહોત્સવ”ના પ્રથમ દિવસે ૪૫ વર્ષથી વધુની વયનાં ૪૧૪૮ જેટલાં લોકોને રસી અપાઇ હતી. તેની સાથોસાથ આજે તા.૧૨ મી ના રોજ બપોરના ૧:૦૦ વાગ્યા સુધી ૯૬૪ જેટલાં લોકોને રસી અપાઇ હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યં હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ, ૨૦૨૧ દરમિયાન “ટીકા ઉત્સવ” નું નર્મદા જિલ્લામાં આયોજન હાથ ધરાયું છે, જેમાં જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીશ્રીઓના સંકલન થકી નોવેલ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવાં ૪૫ વર્ષથી વધુની વયના તમામ લાભાર્થીઓને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાય તે માટે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ-૨૦૫ જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશન રસીકરણની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં ગઇકાલે ૪૫ વર્ષથી વધુની વયના ૪૧૪૮ લાભાર્થીઓએ રસી મૂકાવી હતી. તેમજ આજે તા.૧૨ મી ના રોજ બપોરે ૧:૦૦ કલાકે ૯૬૪ લોકોએ રસી લીધી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રસીથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ કોઇએ ગભરાવાની જરૂર નથી, કોવિડ-૧૯ ની રસી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને કોવિડ-૧૯ થી રક્ષણ મેળવી શકાય. નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૫૬ ટકા જેટલું વેકસીનેશન થયું હોવાની સાથે સરકારશ્રીના કોવિડ-૧૯ ના પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરી હતી.

કેવડીયા ઓથોરિટી ખાતે ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીતભાઇ ઘનશ્યામદાસે ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસી લીધા બાદ કહ્યું હતું કે, આજે મે પણ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો છે. કોવિડ-૧૯ ની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. આ રસીથી કોઇ પણ આડઅસર થતી નથી. કોરોના વિરોધી રસીના બે ડોઝ જેના પૂર્ણ થઇ ગયા છે તેવા મારા નજીકનાં પોલીસ વિભાગના તથા અન્ય વિભાગના સરકારી કર્મીઓ તથા અન્ય લોકોને કોવિડ-૧૯ ની રસીથી ખૂબ સારી ઇમ્યુનીટી મળેલ છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, સરકારીશ્રીની માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવું જોઇએ તેમજ રસી લીધા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં, વારંવાર હાથ ધોવા અને ફરજીયાત માસ્ક પહેરવાનું તેમણે જણાવ્યું હતું. નવા વાઘપુરા પ્રથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સુશ્રી ખુશ્બુબેન મિશ્રાએ જણાવ્યું હતુ કે, સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ૪૫ થી વધુની વયના તમામ લોકોને કોવિડ-૧૯ ની રસી આપવામાં આવે છે. તેમજ કોવિડ-૧૯ ની રસી આપતાં પહેલાં તેમને અહીંથી કઇ રસી આપવામાં આવી છે, તેની જાણકારી આપવા ઉપરાંત કોઇપણ પ્રતિકૂળ ઘટના બને તો નજીકના કાર્યકર અથવા મેડીકલ ઓફિસરનો સંપર્ક સાધવા માટે પણ માહિતગાર કરવામાં આવે છે.                                 

Exit mobile version