શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે અપાયા ઓક્સીજન કન્સન્ટ્રેટર મશીન:
આહવા: ‘કોરોના’ ની ઘાતક બીજી લહેરનો કહેર અનુભવી ચુકેલો ડાંગ જિલ્લો સંભવિત ત્રીજી લહેર અગાઉ તેનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ થઇ રહ્યો છે.
ત્યારે પ્રજાકીય સુખાકારીના જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોમા સહયોગી બનતા બારડોલી સ્થિત દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો માટે તાજેતરમા ૨૬ જેટલા ઓક્સીજન કન્સન્ટ્રેટર મશીન આપવામા આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને જો સ્વાસ લેવામા તકલીફ ઉભી થાય તો તેમને જરૂરી ઓક્સીજન ઘરબેઠા જ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જરૂરી એવા આ ઓક્સીજન કન્સન્ટ્રેટર મશીન સાથે તેના ઉપયોગ અંગેની જાણકારી પણ ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકોને આપવામા આવી છે. જેથી જરૂરિયાતના સમયે તેઓ તેનો બખૂબી ઉપયોગ કરીને જરૂરિયાતમંદ દર્દીને ઘરબેઠા જ ઓક્સીજન ઉપલબ્ધ કરાવી શકે.
એક લીટરની ક્ષમતાના કુલ બાવન નંગ ઓક્સીજન કન્સન્ટ્રેટર મશીન જિલ્લાના ૨૬ ગામો વચ્ચે અર્પણ કરવાના એક કાર્યક્રમમા આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત સહીત ટ્રસ્ટના એકઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી ડો.મુકેશભાઈ, અને ડાંગના કો-ઓર્ડીનેટર શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પસંદગીના ૨૬ ગામોની આશા બહેનો તથા ટ્રસ્ટના કર્મચારીને સોંપવામા આવ્યા હતા.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પાણી પહેલા પાળ બાંધતી આ સુવિધાનો લાભ આહવા તાલુકાના મુખ્ય મથક આહવા સહીત ચનખલ, ધવલીદોડ, ચિકટીયા, ટાકલીપાડા, કામદ, મોહ્પાડા, અને હારપાડા સહીત, વઘઈ તાલુકાના ચીરાપાડા, બારીપાડા, ચીખલી, ભાપખલ, શિવારીમાળ, કુંડા, મોટા માલુંન્ગા, હેદીપાડા, અને રાનપાડા તથા સુબીર તાલુકાના ખાંભલા, ગરુડીયા, ગૌહાણ, સાવરદા, સાવરખલ, બીજુરપાડા, ઝરણ, નક્ટીયાહન્વત, અને બરડીપાડા ગામોને મળશે.