Site icon Gramin Today

તાપી કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આઠમાં તબક્કાના સેવાસેતુ આયોજન અંગે બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આઠમાં તબક્કાના સેવાસેતુ આયોજન અંગે બેઠક યોજાઈ:

રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ યોજાશે.

વ્યારા-તાપી: રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણુની બાબતને રાજ્ય સરકારના હાર્દ સમાન ગણેલ છે. જેથી પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ યોજાશે. આગામી છ માસ દરમિયાન તાલુકાદીઠ કુલ છ કાર્યક્રમ યોજાશે.
સેવાસેતુના આયોજન અંગે તા.૦૬/૦૪/૨૦૨૨ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આઠમાં તબક્કાના સેવાસેતુના આયોજન અંગે ઉપસ્થિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ ગામોના લોકો ભાગ લઇ સરકારશ્રીની મહત્તમ સેવાઓનો લાભ લઈ શકે તેવો પ્રયાસ અમલીકરણ અધિકારીઓએ કરવાનો રહેશે. કુલ ૫૬ પ્રકારની સેવાઓ સાથે આઈ.ઈ.સી.પ્રવૃત્તિને પણ વેગવાન બનાવવાની રહેશે. જેથી લાભાર્થીઓ વંચિત ન રહી જાય. વધુમાં દરેક સેવાઓની વેબ પોર્ટલ ઉપર સમયમર્યાદામાં એન્ટ્રી પણ કરવાની રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની યોજનાઓમાં બેંકોનો રોલ પણ ખૂબ જ મહત્વનો હોઈ એક સાથે સાત તાલુકાઓમાં પુરતો સ્ટાફ પહોંચી જાય અને લાભાર્થીઓને તેમનો લાભ મળી રહે તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. દરેક કાઉન્ટર ઉપર અરજદારોને સચોટ માહિતી મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવા નોડલ અધિકારી અને સ્ટાફને ફરજ સોંપણી કરી તાલુકા મામલતદાર સાથે સંકલન કરવાનું રહેશે. જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ/સદસ્યો સેવાસેતુમાં જોડાય અને પોતાના વિસ્તારના લોકોને શક્ય એટલી મદદ કરવા ડીડીઓશ્રી કાપડીયાએ અનુરોધ કર્યો હતો. 
તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૯-૦૦ કલાકે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રૂપવાડા, ડોલવણના ઉમરકચ્છ, વાલોડ ના કલમકુઈ, સોનગઢના ચોરવાડ, ઉચ્છલના સયાજીગામ, નિઝર ના સરવાળા અને કુકરમુંડાના બહુરૂપા ગામ ખાતે તમામ જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં સેવાસેતુ યોજાશે. વ્યારા નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ-વ્યારા ખાતે અને સોનગઢ નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ નો સેવાસેતુ રંગ ઉપવન-જયબાગ ફોર્ટ સોનગઢ ખાતે યોજાશે.
સેવાસેતુના આયોજન અંગેની બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ રૂપરેખા આપી હતી. પ્રાંત અધિકારી આર.સી.પટેલ, મામલતદાર દિપક સોનાવાલા, જિલ્લા પંચાયત હિસાબી અધિકારી એમ.એફ.મોરડીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version