શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૬ – ૨૦૨૭ ના આયોજન માટેની બેઠક યોજાઇ:
દિનકર બંગાળ, આહવા: “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” નો મુખ્ય હેતુ વન અધિકાર પત્ર ધરાવતા આદિજાતિ ખેડૂતોની જમીનનો વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે વિકાસ કરીને તેમની આવક અને ખેત ઉત્પાદનમાં વધારો કરવાનો છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬ – ૨૦૨૭ ના આયોજન માટે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વર્ષ ૨૦૨૬ – ૨૦૨૭ માં “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” અંગે વન અધિકાર અધિનિયમ – ૨૦૦૬ હેઠળ આવરી લીધેલ ખેડૂતો માટે વિવિધ ઘટકોની વિકાસલક્ષી યોજનાના આયોજન બાબતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ યોજના હેઠળના વર્ષ ૨૦૦૨૩-૨૪ થી ૨૦૨૫ -૨૬ ના મંજુર કામો પૈકી પ્રગતિ હેઠળના કામોના ભૌતિક/નાણાંકીય સિધ્ધિઓની સમિક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને સમયમર્યાદામાં લોક ઉપયોગી કામો કરવા બેઠકમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. ડી. તબિયાર, નાયબ બાગાયત નિયામક શ્રી તુષાર ગામીત, પશુપાલન અધિકારી શ્રી હર્ષદભાઈ ઠાકરે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઈ પટેલ સહિત ત્રણેય તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અન્ય સંબંધીત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર બેઠકનું સંચાલન પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર, દ્વારા કરવામાં આવ્યું હતું.

