શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગના પર્વતારોહક યુવક ભોવાન રાઠોડે ‘માઉન્ટ યુનમ’ના ૬,૧૧૧ મીટર ઊંચા શિખરે તિરંગો લહેરાવ્યો:
કપરા હવામાન વચ્ચે સફળ પર્વતારોહણ કરી ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું :૧૦માંથી માત્ર ૪ પર્વતારોહકો જ શિખર સર કરી શક્યા
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના સાહસિક પર્વતારોહક યુવક શ્રી ભોવાનભાઈ રાઠોડે ફરી એકવાર સાહસ અને સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હિમાલયના લાહોલ વિસ્તારમાં આવેલા ‘માઉન્ટ યુનમ’ ના ૬,૧૧૧ મીટર (આશરે ૨૦,૩૦૦ ફૂટ) ઊંચા શિખરને સફળતાપૂર્વક સર કરી તેની ટોચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ સાથે તેમણે ડાંગ તેમજ સમગ્ર ગુજરાતનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.
‘માઉન્ટ યુનમ’ નું આ પર્વતારોહણ અત્યંત મુશ્કેલ અને પડકારજનક રહ્યું હતું. આ અભિયાનમાં કુલ ૧૦ પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી માત્ર ૪ પર્વતારોહકો જ સફળતાપૂર્વક શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. પ્રતિકૂળ હવામાન, કાતિલ ઠંડી, ઊંચાઈ અને કઠિન પર્વતીય પરિસ્થિતિઓ વચ્ચે શ્રી ભોવાન રાઠોડે અડગ મનોબળ અને સાહસ સાથે આ સફળતા હાંસલ કરી હતી.
શિખરની ટોચ તરફના ચઢાણ દરમિયાન હવામાન ખૂબ જ ખરાબ રહ્યું હોવા છતાં શ્રી ભોવાન રાઠોડે હિંમત હારી નહોતી. તમામ પડકારોનો સામનો કરીને તેઓ ‘માઉન્ટ યુનમ’ની ટોચ પર પહોંચ્યા અને ત્યાં ભારતનો તિરંગો લહેરાવી દેશપ્રેમ અને સાહસની અનોખી મિશાલ પ્રસ્થાપિત કરી છે.
માઉન્ટ યુનમ’ સર કરવાની આ સિદ્ધિ સાથે શ્રી ભોવાન રાઠોડે પોતાના સાહસિક પર્વતારોહણ ક્ષેત્રે સાતમો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હોવાનું જણાવાયું છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવની બાબત નથી, પરંતુ ડાંગ જેવા આદિવાસી અને પર્વતીય જિલ્લાની યુવા શક્તિમાં રહેલી સાહસિકતા, પ્રતિભા અને અદમ્ય સંકલ્પનું પણ પ્રતિબિંબ છે.
શ્રી ભોવાન રાઠોડની આ સિદ્ધિથી ડાંગ જિલ્લાના સાહસપ્રેમીઓ અને રમતવીરોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની સિદ્ધિ યુવાનોને પડકારોને સ્વીકારીને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
‘માઉન્ટ યુનમ’ સર કર્યા બાદ ભોવાન રાઠોડનું આગામી લક્ષ્ય વિશ્વના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ ને સર કરવાનું છે. વિશેષરૂપે, તેઓ આગામી સમયમાં એવરેસ્ટની ટોચ સુધી દેશનો સૌથી મોટો તિરંગો લઈ જઈ તેને લહેરાવવાનો સંકલ્પ ધરાવે છે.
ડાંગની ધરતી પરથી હિમાલયના શિખરો સુધી તિરંગો પહોંચાડતા શ્રી ભોવાન રાઠોડની આ સાહસગાથા સમગ્ર ડાંગ અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. તેમના આગામી એવરેસ્ટ અભિયાન માટે પણ સમગ્ર ડાંગવાસીઓ અને ગુજરાત તરફથી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.
આ સાહસિક અને ગૌરવપૂર્ણ પર્વતારોહણ અભિયાનને સફળ બનાવવા માટે શ્રી વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય, ડાંગ), શ્રી રાજેશભાઈ ગામીત (પ્રમુખ, જિલ્લા પંચાયત, ડાંગ), શ્રી સ્નેહલ ઠાકરે (ડાંગ જિલ્લા પંચાયત સદસ્ય), શ્રી મંગળભાઈ ગાવિત (પૂર્વ ધારાસભ્ય, ડાંગ), શ્રી રાજુભાઈ આહીર (યુનિટી કન્સ્ટ્રક્શન) શ્રી અભિષેક ભાલેરાવ (સામાજિક કાર્યકર, કોટમદર), શ્રી હરિરામભાઈ સાવંત (સરપંચ, આહવા), તથા સુશ્રી જશોદા મહેન્દ્રસિંહ અમલી (પૂર્વ મ્યુનિસિપલ કો-ઓપરેટર, અમદાવાદ) દ્વારા સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમના આર્થિક તથા નૈતિક સહયોગ બદલ પર્વતારોહક શ્રી ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘માઉન્ટ યુનમ’ હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં આવેલું એક અદ્ભુત અને સાહસિક ૬,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું પર્વત શિખર છે. જેની ઊંચાઈ આશરે ૬,૧૧૧ મીટર (૨૦,૦૪૯ ફૂટ) સમુદ્ર સપાટીથી નોંધવામાં આવી છે. આ શિખરથી નજીકનું પ્રસિદ્ધ સ્થળ ‘બારાલાચા લા પાસ’ છે. કે જે ઝાંસ્કર રેન્જ/ટ્રાન્સ-હિમાલય પર્વતમાળા વિસ્તારમાં આવેલું છે.
મનાલી–લેહ હાઇ વે મુખ્ય માર્ગ પર ભારતપુર ટેન્ટ કોલોની વિસ્તાર ખાતે તેનો સામાન્ય બેઝ કેમ્પ છે. આ ઊંચાઈવાળા અને પડકારજનક ટ્રેક માટેનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનનો હોય છે.
*’યુનમ શિખર’ ની ખાસિયત* :
‘માઉન્ટ યુનમ’ નું સૌથી મોટું આકર્ષણ એ છે કે ૬,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ હોવા છતાં તેનો ચઢાણ માર્ગ ઘણા અન્ય ૬,૦૦૦ મીટરના શિખરોની સરખામણીમાં પ્રમાણમાં ઓછો ટેકનિકલ ગણાય છે. જોકે, આનો અર્થ સરળ ટ્રેક નથી. ઊંચાઈ, ઓક્સિજનની અછત, ઠંડી, પવન અને કઠિન ભૂપ્રદેશને કારણે યોગ્ય તૈયારી ખૂબ જરૂરી છે.
શિખર પરથી ચંદ્રભાગા રેન્જ, મુલકિલા રેન્જ અને ઝાંસ્કર તરફના વિશાળ પર્વતીય દૃશ્યો જોવા મળે છે. આ ટ્રેક માટે મનાલી તરફથી યાત્રા કરીને સામાન્ય રીતે કેલાંગ–જીસપા–બારાલાચા લા તરફ આગળ વધવામાં આવે છે. ભારતપુર વિસ્તાર આસપાસ ઊંચાઈ સાથે શરીરને અનુકૂળ બનાવવાની પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ યુનમ બેઝ કેમ્પ તરફ આગળ વધાય છે. ૬,૧૧૧ મીટર સુધી પહોંચવું ખૂબ ગંભીર હાઈ-ઍલ્ટિટ્યુડ અભિયાન છે. ખાસ કરીને પહેલી વખત જતા હોય તો અનુભવી ગાઈડ/માઉન્ટેનિયરિંગ ઓપરેટર સાથે જવું મહત્વનું છે.

