Site icon Gramin Today

જિલ્લામાં પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે પ્રથમ દિવસે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ-૧૯ વેક્શીનેશનનો કરાયો પ્રારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

કોરોના મહામારીમાં ખાસ કરીને આરોગ્ય કર્મીઓ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ વિભાગ સહિત અનેક લોકોએ રાત-દિવસ જોયા વગર લોકોની સેવામાં સહભાગી બન્યા
-પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવા:

નર્મદા જિલ્લામાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ સહિત કુલ ૧૫૦ જેટલાં લાભાર્થીઓને કોવીડ-૧૯ હેઠળ આવરી લેવાયાં:

રાજપીપલા:- પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને માન.વડાપ્રધાનશ્રીના હસ્તે આજે કોવીડ-૧૯ વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે ભારત સરકારની અને રાજ્યસરકારની માર્ગદર્શિકા પ્રમાણે દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે પ્રથમ દિવસે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦ જેટલાં હેલ્થકેર વર્કરોને પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કિરણભાઇ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત, જિલ્લા આરોગ્ય એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ, તબીબો, પેરામેડીકલ સ્ટાફ, આશાવર્કર બહેનો સહિત આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય કરી રસીકરણકક્ષને રિબીન કાપીને કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કોવીડ-૧૯ વેક્સીનેશનનો ઓનલાઇન પ્રારંભ કરાવ્યો છે. જે આપણા સહુ માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીમાં ખાસ કરીને આરોગ્ય કર્મીઓ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ વિભાગ સહિત અનેક લોકોએ રાત-દિવસ જોયા વગર લોકોની સેવામાં સહભાગી બન્યા હોવાથી સહુંને તેમણે અભિનંદન પાઠવ્યાં હતા. શ્રી વસાવાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને ખૂબજ કાળજી રાખવાનો અનુરોધ કર્યો હતો. કોરોના વેક્સીનના લાભાર્થીઓએ ડરવાની કે ગભરાવવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્યસરકારની માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાયા છે જે અન્વયે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ સહિત કુલ ૧૫૦ જેટલાં લોકોને આજે કોવીડ-૧૯ વેક્શીન હેઠળ આવરી લેવાયાં છે. જિલ્લાના જે કોઇ લાભાર્થી છે તેઓને SMS દ્વારા જાણ કરવામાં આવી છે. કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે તેની સાથોસાથ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમને વેઇટીંગ રૂમમાં બેસાડવામાં આવે છે તેની સાથોસાથ વેક્સીન રૂમમાં વેક્સીન આપ્યા બાદ અંતમાં નિરીક્ષણ રૂમમાં ૩૦ મિનિટ સુધી રાખવામાં આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોવીડ-૧૯ ની રસી લેનાર રાજપીપલાના ટેકરા ફળીયાના પ્રથમ લાભાર્થી શ્રી કિશોરભાઇ વસાવાએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, કોવિડની રસી લેવાથી કોઇ જ પ્રકારની મુશ્કેલી થતી નથી તેમજ કોઇએ ગભરાવવાની જરૂર નથી તેની સાથોસાથ તેમણે કહ્યું કે, અમારી અહીં દેખભાળ પણ રાખવામાં આવે છે અને ડૉક્ટર તરફથી સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે બીજા લાભાર્થીશ્રી ડૉ. ગીરીશભાઇ આંનદે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, કોવીડ-૧૯ વેક્શીનથી ગભરાવવાની જરૂર નથી આ તકે ઝડપથી કોવીડ-૧૯ ની વેક્શીન લાવવામાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યસરકારની સાથોસાથ વૈજ્ઞાનિકોનો આભાર તેમણે વ્યકત કર્યો હતો. તેમજ કોરોના વેક્શીન લેનાર સુશ્રી ડૉ. મેઘાબેન જોશીએ કોરોના વેક્શીનથી કોઇ જ આડઅસર થતી ન હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલ દ્વારા કોવીડ-૧૯ વેક્શીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો તેની સાથોસાથ કોવીડ-૧૯ ને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવાએ કોવિડ-૧૯ વેક્સીનેશનનાં લાભાર્થીઓને “મે કોરોના વેક્સીન લીધી છે” તેના શિલ્ડ એનાયત કર્યા હતાં.

Exit mobile version