Site icon Gramin Today

ગ્રામસેવકોની આંતર જિલ્લા બદલી થતાં અન્ય જિલ્લામાં નિમણુંક થયેલ ગ્રામસેવકશ્રીઓને અપાયુ વિદાયમાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાંથી કુલ ૨૬ ગ્રામસેવકોની આંતર જિલ્લા બદલી થતાં અન્ય જિલ્લામાં નિમણુંક થયેલ ગ્રામસેવકશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને અપાયુ વિદાયમાન:

વ્યારા-તાપી તા.૧૫: જિલ્લા પંચાયત હસ્તક કૃષિ વિભાગ મારફત અમલીકૃત વિવિધ યોજનાઓ તેમજ જિલ્લાના વહીવટીતંત્ર મારફત સોંપવામાં આવતી વિવિધ કામગીરી ખેડૂતો સુધી પહોંચાડવા તથા ખેડૂતલક્ષી કોઇ પણ કામગીરી માટે ખેડૂતોની પડખે ઊભા રહેનાર ગ્રામસેવકોની માંગણી મુજબ તાપી જિલ્લામાં ૨૬ જેટલા ગ્રામસેવકોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી હતી. જેના પરીણામે સરકારશ્રીના હકારત્મક નિર્ણયથી ગ્રામસેવકોને તેઓના વતનમાં કે વતન નજીક બદલી કરવામા આવતા સમગ્ર કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. ગ્રામસેવકશ્રીઓની બદલી અને અન્ય જિલ્લામાં નિમણુંક થતા આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી. ડી. કાપડીયાએ બદલી થયેલ તમામ ગ્રામસેવકનો તાપી જીલ્લામાં કરવામાં આવેલ કામગીરી, ખાસ કરીને ખેડૂતોની જરૂરી માર્ગદર્શન તથા સંતોષકારક કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો તથા તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ બદલી થયેલ જીલ્લામાં પણ ખૂબ સરસ કામગીરી કરશો જ એવી આશા વ્યકત કરવામાં આવી. વધુમાં તેમણે ગ્રામસેવક એક પાયાનો કર્મચારી છે જે ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમની બદલી થતા કામગીરીમાં ભારણ વધશે. બદલી થયેલ ગ્રામસેવકોની ખોટ હંમેશા માટે વર્તાશે એવી લાગણી વ્યકત કરવામાં આવી.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ચેતન ગરાસિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી અત્રેના જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવેલ ખેડૂતલક્ષી કામગીરીની પ્રશંસા કરવાની સાથે સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો.
આ પ્રસંગે વિદાય લઇ રહેલ ગ્રામસેવકો દ્વારા અત્રેના જિલ્લાની કામગીરીના અનુભવો વ્યકત કરતાં અત્રેના જિલ્લાના ખેડૂતો તેમજ વહીવટી તંત્ર તરફથી તેઓને મળેલ પ્રેમ અને સહકાર અંગે આભારની લાગણી વ્યકત કરવામાં આવી હતી. સાથે સાથે સરકારશ્રીના હકારાત્મક અભિગમના કારણે તેઓની આંતર જિલ્લા બદલીની માંગણી પૂરી થતાં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો. અત્રેથી બદલી થયેલ ગ્રામસેવકોને શ્રીફળ, બુકે તેમજ શાલ ઓઢાડી તેઓની મહત્વપુર્ણ કામગીરી બદલ સન્માનિત કરી વિદાય આપવામાં આવી.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી, મદદનીશ ખેતી નિયમક્શ્રીઓ, ખેતી અધિકારી, વિસ્તરણ અધિકારી, તમામ ગ્રામસેવક મિત્રો તેમજ કૃષિ વિભાગના તમામ અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version