શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, 24×7 વેબ પોર્ટલ
ગંગપુર વોરિયર્સ ગ્રુપ દ્વારા ગિરિજન અંધજન શાળામાં માનવતાનો દીપ પ્રગટ્યો :
કમલેશ ગાવિત, વાંસદા : વાંસદા તાલુકાના કરંજવેરી સ્થિત ગિરિજન અંધજન શાળા હોસ્ટેલ ખાતે પ્રજાસત્તાક દિનના પાવન અવસરે ગંગપુર વોરિયર્સ ગ્રુપ દ્વારા એક સરાહનીય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ ફાર્મ એન્ડ નર્સરી ટ્રસ્ટ સંચાલિત આ ગ્રુપના સભ્યોએ શાળાની મુલાકાત લઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો.
આ અવસરે હોસ્ટેલમાં રહેતા અંધજન વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્નેહભર્યું ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉપયોગી ચીજવસ્તુઓથી ભરેલી ‘ડેઈલી રૂટીન કિટ’નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતાં ગંગપુર વોરિયર્સ ગ્રુપ દ્વારા હાથ ધરાયેલ આ માનવતાભર્યા પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા ખુલ્લા દિલે બિરદાવવામાં આવ્યો હતો. ગ્રુપના નવયુવાન સભ્યોએ જણાવ્યું હતું કે, “આ બાળકોના ચહેરા પર દેખાતું સ્મિત જ અમારું સાચું પ્રોત્સાહન અને વળતર છે.”
ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ આવા અનેક સેવાકીય અને સામાજિક કાર્યો સતત ચાલુ રાખવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગંગપુર વોરિયર્સ ગ્રુપની આ પહેલ સમાજમાં સેવાને સમર્પિત યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

