Site icon Gramin Today

આહવામાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે: ડાંગ કલેક્ટર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

આહવામાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે: ડાંગ કલેક્ટર

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે કાર્યક્રમ :

દિનકર બંગાળ, આહવા: દેશના ઐતિહાસિક સીમાચિહ્નોને યાદગાર બનાવવા તેમજ તેના જ્ઞાત-અજ્ઞાત પાસાઓને સર્જનાત્મક માધ્યમથી જનમાનસ સુધી પહોંચાડવાના રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૧૫ નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની સાથે ડાંગ જિલ્લામાં પણ આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દડંક શ્રી વિજયભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદારશ્રી ડો.મયુર પરમારે જિલ્લા કક્ષાએ વિવિધ સમિતિઓ અને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ સહિત તમામ પાયાની આવશ્યક સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ બને તે માટે કરવામાં આવેલા આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે જ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે તા. ૧૨ નવેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવા તેમજ તા. ૧૪ નવેમ્બરના રોજ પ્રતિમા સ્વચ્છતા, સાધુ-સંતોનું સન્માન અને આદિજાતિ સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ તમામ કાર્યક્રમો જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને ઉજાગર કરવાની સાથે જનભાગીદારીને પ્રોત્સાહન આપશે. આથી જિલ્લાના નાગરિકોને જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

Exit mobile version