Site icon Gramin Today

ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા નામદાર રાજ્યપાલશ્રી:

 

ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા નામદાર રાજ્યપાલશ્રી:

રાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:

ડાંગના પ્રજાજનોને વિકાસની મુખ્ય ધારામા જોડવા માટે સૌને સહિયોગી બનવાની કરી અપીલ:

આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનની હિમાયત સાથે સૌને વોકલ ફોર લોકલનુ સૂત્ર ચરિતાર્થ કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી :

આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ :

 આહવા, ડાંગ: અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમા પધારેલા દેશવિદેશના મહાનુભાવોનુ રાજ્ય સરકાર વતી સ્વાગત કર્યુ હતુ.

 ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યપાલશ્રીએ આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.

 રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે, દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ નામદાર રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતુ.

 ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભિક્તની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલશ્રીએ, આદિવાસી પ્રદેશના વિકાસમા, તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામા જોડાઇ રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.

 ગુજરાતની તમામ સરકારોએ વિશેષ કરીને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમા વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો.

 સ્વાસ્થ્ય સેવાઓમા પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓનો વ્યાપ વધે તે પણ સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ, પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમા રહેલી સંભાવનાઓનો યોગ્ય અભ્યાસ કરી, તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક જીવન શૈલી પ્રાકૃતિક સંશાધનો ઉપર ભાર મુક્તા રાજ્યપાલશ્રીએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવીને દેશના પ્રેરણાસ્ત્રોત બનવાની હિમાયત કરી હતી.

 પ્રાકૃતિક પ્રવાસન સ્થળોના સર્વાંગિણ વિકાસની સાથે સાથે દર્શનિય યાત્રાધામો ખાતે આવતા સહેલાણીઓ માટે પાયાકિય સુવિધાઓનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકતા રાજ્યપાલશ્રીએ, પ્રાકૃતિક સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લાના ધાર્મિક/ઐતિહાસિક સ્થળોને કારણે અહી પ્રવાસન પ્રવૃત્તિના વધી રહેલા વ્યાપને કારણે, ડાંગ જિલ્લો વિકાસની નવી ઊંચાઇને આંબી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ.

 સમાજના તમામ સમુદાયોને વિકાસની મુખ્યધારામા જોડવા બદલ રાજ્ય સરકાર, અને જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવતા રાજ્યપાલશ્રીએ સૌને સાથે મળીને, ડાંગ જિલ્લાના પ્રજાજનોના સર્વાંગિણ વિકાસ માટે સહયોગી બનવાની અપીલ કરી હતી.

  પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક જીવનશૈલીને વરેલા ડાંગીજનો સામે વિશ્વના લોકો આશાભરી મીટ માંડી રહ્યા છે, તેમ જણાવ્યુ હતુ. વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર આખા દેશમા ઝેરમુક્ત ખેતી થાય તે દિશામા સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત પણ રાજ્યપાલશ્રીએ કરી હતી.

  ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામા યોગદાન આપવાનુ આહવાન કરતા રાજ્યપાલશ્રીએ રોજિંદા ઉપયોગમા મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશની સાથે, વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરવાની પણ અપીલ કરી હતી.

 ડાંગ જિલ્લાને વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવનારી ઐતિહાસિક ક્ષણ એટલે ડાંગ દરબારનો કાર્યક્રમ, એમ જણાવી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમા ડાંગ દરબારનો ઇતિહાસ અને તેની ગરિમા જાળવવા બદલ સમગ્ર વહિવટી તંત્ર, અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવી ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલીને બિરદાવી હતી.

 ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના ક્રમબદ્ઘ વિકાસની ગાથા પણ આ વેળા વર્ણવી હતી. રાજ્ય સરકારના તાજેતરના બજેટમા કરાયેલી જોગવાઇને લીધે, રાજ્યના દરેક વર્ગનો સમુચિત વિકાસ થશે, એમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ સાથે ટૂંક સમયમા રાજવીશ્રીઓને અપાતા પોલિટિકલ પેન્શનની રકમમા વધારો થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  સ્થાનિક પરિસ્થિતિ અનુસાર યોજનાઓ તથા લાભોના વિતરણની નવતર પદ્ધતિ અમલમા મૂકીને, વર્તમાન રાજ્ય સરકારે હવેથી રૂ.૫૦ની કિલોના ભાવે વાજબી ભાવની દુકાનો મારફત તુવેરની દાળનુ વિતરણ કરાશે તેમ જણાવ્યુ હતુ.

  શ્રી નરેશભાઈ પટેલે રાજ્ય સરકારના એક જવાબદાર મંત્રી તરીકે ફરી એકવાર કેટલાક લોકો, ડાંગ વિસ્તારમા મોટા ડેમો બાબતે ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે, તેનાથી કોઈએ ભરમાવવાની જરૂર નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ. ભાજપાના નેતાઓ માટે સત્તા એ સેવાનુ માધ્યમ છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ વિકાસના કામોમા રોડા નાખતા તત્વોને સમયસર ઓળખી લેવાની પણ આ વેળા હાંકલ કરી હતી.

  દરમિયાન સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પણ તેમના પ્રજાજોગ સંદેશામા, ડાંગના આ પોતિકા ઉત્સવને વર્ષો વર્ષ ગરિમા પ્રદાન કરવા બદલ સરકારશ્રી પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. સ્થાનિક જન પ્રતિનિધિઓએ ડાંગના દરબારીઓ સહિત સૌ પ્રજાજનોને ‘શિમગા મહોત્સવ’ ની શુભકામનાઓ પણ પાઠવી હતી

 ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે ડાંગના માજી રાજવીશ્રી ઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને, રાજ્યપાલશ્રીએ તેમનુ અદકેરૂ સન્માન કર્યુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલશ્રીને ધનુષબાણ અર્પણ કરી, અને પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતુ. રાજવીશ્રીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.

 ઉલ્લેખનિય છે કે, આહવાને આંગણે પધારેલા પ્રાકૃતિક ડાંગના શિલ્પી એવા રાજ્યપાલશ્રીનુ જિલ્લા પ્રશાસનવતી કલેકટર શ્રી ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ ‘કામધેનુ ગાય’ ની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હરૂપે અર્પણ કરી અભિવાદન કર્યું હતુ. આ ઉપરાંત અહીં પધારેલા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત ડાંગ દરબાર જેમના માટે આયોજિત થાય છે તેવા ડાંગના માજી રાજવીશ્રીઓ, અને મહાનુભાવોને ફ્રુટ બાસ્કેટ સ્મૃતિચિહ્નરૂપે અર્પણ કરાઈ હતી. મહાનુભાવોએ આ ‘પોષણ ટોપલી’ જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓને ગિફ્ટ કરી હતી.

 કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા ડાંગ પ્રશાસનના વડા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ સૌને ડાંગ દરબારમા આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલા જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિત દેશના અન્ય પ્રદેશના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.

 ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.

 ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, સ્થાનિક ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અગ્રણી નાગરીકો, વ્યકિત વિશેષ, મહાનુભાવો, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

 આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.વિપિન ગર્ગએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ, શ્રીમતી અસ્મિતા બારોટ, શ્રી સંદીપ પટેલ, અને ભરૂચથી પધારેલા શ્રી જગદીશભાઈ પરમારે સેવા આપી હતી.

  ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજ્યપાલશ્રીના હસ્તે માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરી હતી.

રંગ ઉપવનના રંગમંચ ઉપરથી રાષ્ટ્રગાન સાથે, ડાંગ દરબારના રંગારંગ ઉદ્ઘાટન કાર્યક્રમનુ સમાપન થયુ હતુ.

Exit mobile version