Site icon Gramin Today

ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ/બેનરો લગાવી શકાશે નહિ તેવું જાહેરનામું બહાર પડાયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

કોવીડ મહામારી માં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની બેઠક પર ચુંટણીનો પ્રચાર જોર શોર થી ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં તંત્ર દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ/બેનરો લગાવી શકાશે નહિ તેવું જાહેરનામું બહાર પાડીને શાસક પક્ષ, રાજકિય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડીને શાસક પક્ષ, રાજકિય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ અને આગામી ચૂંટણી દરમિયાન જાહેર માર્ગો સાર્વજનિક માર્ગો, જાહેર કે સરકારી મકાનો, ચાર રસ્તા, એસ.ટી.સ્ટેન્ડ, શેરીઓના નાકા-મકાનો જાહેર મિલ્કતો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા કે કાગળ કે અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો અને રાજકીય કટ આઉટ વગેરે ઉભા કરવાનો અને પ્રદર્શિત કરવાનો અને એ જ રીતે રેલ્વેની મિલ્કતો, સરકારી મકાનો, જાહેર મિલ્કતો તથા વિજળી અને ટેલિફોન થાંભલા જેવી સરકારી મિલ્કતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનનો દરવાજા, જાહેર પાટિયા, બેનરો, ધજા, પતાકા, ભીંતચિત્રો વિગેરે ચૂંટણીના પ્રચાર માટે મૂકવા ઉભા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૦૫-૧૦-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version