Site icon Gramin Today

ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ડાંગના નોડલ ઓફિસરોને સૂક્ષ્મ માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ડાંગના નોડલ ઓફિસરોને સૂક્ષ્મ માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી:

ડાંગ, આહવા: આગામી તા.૧૯મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ના અનુસંધાને નિયુક્ત કરાયેલા જિલ્લાના નોડલ અધિકારીઓને, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને પાર પાડવા માટે, સતત સંકલન અને પરામર્શનો અનુરોધ કરતા ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને પરસ્પર સહયોગ, અને ચોકસાઈ સાથે કામગીરી કરવાની અપીલ કરી છે.

રાજયભરમા જાહેર થયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ સંદર્ભે ડાંગ જિલ્લામા પણ ૭૦ ગૃપ ગ્રામ પંચાયતો પૈકી, વિભાજીત થયેલી ગ્રામ પંચાયતો સિવાયની ૪૧ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે માટે જુદી જુદી સમિતિઓની રચના કરીને ચુનંદા અધિકારીઓને ફરજ નિયુક્ત કરવામા આવ્યા છે.

આ ચૂંટણી સંદર્ભે હાથ ધરવાની થતી વિવિધ કામગીરી બાબતે નિયુક્ત અધિકારી, કર્મચારીઓની શ્રેણીબદ્ધ બેઠકોનો ધમધમાટ, જિલ્લા સેવા સદન ખાતે શરૂ થઈ ગયો છે. જે મુજબ જિલ્લાના નોડલ અધિકારીઓને તેમની કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડયા તથા રાજ્ય ચૂંટણી આયોગના નોડલ ઓફિસર શ્રી પી.એ. ગાવિતે સૂક્ષ્માતિસૂક્ષ્મ માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ.

બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા, મેન પાવર, મતદાર જાગૃતિ અભિયાન, ઓબ્ઝર્વર, બેલેટ પેપર, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, મીડિયા સંલગ્ન કામગીરી, કોમ્પ્યુટરાઇઝેશન, તાલીમ, અને ખર્ચના નોડલ ઓફિસરો સાથે પરામર્શ હાથ ધરાયો હતો.

દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી સંલગ્ન કામગીરી સાથે સંકળાયેલા વિભાગો, કચેરી, કર્મચારી/અધિકારીઓને રાજકીય ગતિવિધિઓથી દૂર રહી, આદર્શ આચાર સંહિતના અમલ બાબતે તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી.

“કોરોના” સંદર્ભે નિયત SOP મુજબ કરવાની થતી સાવચેતી અંગેની કામગીરી બાબતે પણ જિલ્લા અધિકારીઓએ આરોગ્ય વિભાગને તૈયારીઓ પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામિત સહિત ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, અને નોડલ ઓફિસરોએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Exit mobile version