Site icon Gramin Today

એકતાનગર ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ સંપન્ન:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

એકતાનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ સંપન્ન:

કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને “ટીમ ઇન્ડિયા” તરીકે કામ કરે તો દેશ વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકશે:-કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા

   ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આજે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને એકતા નગર, ટેન્ટ સિટી -૨ ખાતે સમૃદ્ધ ખેડૂત – આત્મનિર્ભર ભારત હેઠળ એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટના કાર્યક્રમને તુલસી ક્યારાને પાણી આપી તથા માછલીઓને છારો ખવડાવી કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા-નિદર્શે અનુસાર કેન્દ્ર અને રાજ્યની અન્ય સરકારો સાથે મળીને “ટીમ ઇન્ડિયા” તરીકે કામ કરે તો દેશ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે.સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ મીટનું આયોજન સરદાર સાહેબના ચરણોમાં જ કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

 ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઈને મત્સ્યોદ્યોગ અને પશુપાલન ક્ષેત્રમા વિકાસ સાધવા મંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ, સમસ્યાઓની સાથે દેશના અન્ય રાજ્યોની આગવી કુશળતાનું અમલીકરણ જો ટેક્નોલોજીના માધ્યમ થકી કરવામાં આવે તો વધુ વિકાસ સાધી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રીશ્રી રૂપાલાએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોઘોગ સમર મીટ યોજીને એક આગવી પહેલ કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો હોવાનું જણાવ્યું હતું. દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જ્યારે ખેડા જિલ્લાના ખેડુતોને અન્યાય થયો ત્યારે આ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને રજુઆત કરી ત્યારે સરદાર વલ્લભભાઈની આગવી સુઝબુઝના લીધે અંતે ખેડૂતોને ન્યાય મળ્યો હતો. 

     ગુજરાત રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે જેથી ૩૧ જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરોને સૈધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ ૮ જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરો શરૂ કરાયા હોવાનું મંત્રીશ્રી ચૌધરીએ જણાવ્યું હતું.

 કોન્ફરન્સ દરમ્યાન ખેડૂતોના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સેવાની ખાતરી કરવી,પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતાને પ્રોત્સાહન આપવું, કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાને મજબુતી જેવા વિષયો પર પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદઉપરાંત પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર તેમના વધુ સારા અને અસરકારક અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન, ચર્ચા અને આદાનપ્રદાન કરાયું હતું.

કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા અને ઉપસ્થિત મહાનુભાવોએ ટેન્ટ સીટી-૨ ખાતે ગૌ પુજન પણ કર્યું હતુ. 

આ સમિટમાં રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી દેવાભાઈ માલમ, દેશના વિવિધ રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રીઓ સહિત તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો અને નિયામકો / કમિશ્નરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

                 

Exit mobile version