શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લાના સોનગઢ ખાતે વધુ ક્ષમતા વાળી અને સુવિધા સભર હોસ્પીટલ બનાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું: સોનગઠ સાથે આરોગ્ય બાબતે કરવામાં આવતો અન્યાય હવે પ્રજા નહિ સહન કરે…..તાલુકા પ્રમુખશ્રી
સોનગઢ તાલુકોએ તાપી જીલ્લાનો સૌથી મોટો તાલુકો છે, સોનગઢ તાલુકામાં 179 ગામો અને 1 નગરપાલીકા, જે.કે. પેપર લી., થર્મલ પાવર સ્ટેશન, ઉકાઈ ડેમ આવેલ છે. વિસ્તાર માં મોટો તાલુકો અને વધારે વસ્તી હોવા છતાં અન્યાય કેમ? આદિવાસીઓની સેવા કરવાના બણગાં ફૂંકતી રાજ્ય સરકાર સોનગઢ તાલુકામાં આરોગ્ય સેવા આપવામાં ઉણી ઉતરી રહી છે. 105 ના કીમી લંબાઈ માં વસેલા સોનગઢમાં ફક્ત તાલુકા શહેર સોનગઢમાં જ નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય આદીવાસી પ્રજાને આરોગ્યની સેવા કેવી મળતી હશે તેનો વિચાર પણ કંપાવી દે તેવો છે.
સોનગઢ તાલુકો આદીવાસી તાલુકો છે, પરંતુ અંતરીયાળ ગામો તાલુકા મથકથી દૂર આવેલા છે. એ સંજોગોમાં દૂર દૂર વસતા આદીવાસીઓને સારવાર માટે સોનગઢ આવવું પડે છે. તાલુકામાં 179 ગામો આવેલા છે આ તમામ ગામોમાં 90% વસ્તી આદીવાસીઓની છે. આ આદીવાસીઓએ આરોગ્ય સારવાર માટે તાલુકા મથકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ આધાર રાખવો પડે છે.
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટી એ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે છે. સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે ૫૦ પથારીની વ્યવસ્થા છે, જેને કારણે તે નાનું પડે છે. અંતરીયાળ વિસ્તાર માથી આવતા આદીવાસીઓને પુરતી સારવાર મળી રહે એ માટે આ વિસ્તારમાં બહુધા જોવા મળતા તમામ રોગોની સારવાર મળી રહે એ જરૂરી છે. એ તમામ રોગો માટેના તબીબોની પણ સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક થવી જોઇયે, આધુનિક સુવિધાથી સજ્જ એવું સામુહિક આરોગ્ય કેન્દ્ર મોટું હોવું જોઇયે. સોનગઢ તાલુકાનાં આદિવાસીઓને તમામ પ્રકારની સારવાર અહી જ મળે એ આદર્શ સ્થિતીહોવી જોઇયે. એ જોતાં સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવું જોઇયે, અહી જ તમામ સારવાર મળી રહે એવી સુવિધા ઊભી થવી જોઇયે.
તેમજ વધુમાં જણાવવાનું કે સોનગઢ તાલુકામાં કોવિડ-19 કોરોના મહામારીમાં પણ કોઈ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ન હતી. સોનગઢ તાલુકામાં એક પણ ફિજીશીયન ડોક્ટર નથી, વેન્ટીલેટર ની કોઈ સુવિધા નથી, કોઈ પણ ઈમરજન્સી વખતે દર્દીને સુવિધા ના હોવાને કારણે વ્યારા રિફર કરવું પડે છે. ઘણીવાર આકસ્મિક ઘટનામાં સુવિધા ન હોવાના કારણે દર્દીઓના જીવ પણ જતા રહે છે, જે ઘણી જ ગંભીર બાબત છે. સોનગઢ તાલુકાનાં લોકોના હિત માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે.
અમારી માંગણી લોકોના સ્વાસ્થ્ય માટેની હોય ઘણા વર્ષથી રજૂઆતો, આવેદન પત્ર આપ્યા છતાં અમારી માંગણીનો જવાબ અમને મળેલ નથી. હવે ધીરજનો અંત આવી ગયો હોય કોરોના મહામારીમાં પણ 1 જુલાઈએ ખુબ જ મોટું આંદોલન કરીશું, જેની સઘળી જવાબદારી સરકારશ્રીની રહેશે.
નોંધ: આપશ્રી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની હમોને લેખિતમાં જાણ કરવા વિનંતી.