Site icon Gramin Today

સાગબારા તાલુકાના ૭ જેટલા સ્વ-સહાય જૂથોને નવી ૭ ઈકોવાન ફાળવાઇ: સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા:- નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આવન જાવન સુવિધાઓનો લાભ મળી રહે અને મિશન મંગલમની બહેનો આત્મનિર્ભર બને તે હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિન દયાળ અંત્યોદન યોજના ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના ૭ જેટલાં સ્વસહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત ૪૯ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનજીભાઇ વસાવા, જિલ્લા લાઇવલી હુડ મેનેજરશ્રી આદિત્ય મીણા સહિત મિશનમંગલમની બહેનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત ભવનના સંકુલ ખાતે રીબીન કાપીને અંદાજે રૂા.૩૨.૯૦ લાખના ખર્ચે નવી ૭ ઈકોવાનને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેદનિય છે કે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના યાહા મોગી સ્વ-સહાય જુથ, કબીર મહિલા મંડળ, નવદુર્ગા બચત મંડળ, દેવનંદન સખીમંડળ, ખુશી સ્વ-સહાય જુથ, હરિઓમ અને છાયા મિશન મંગલમના સ્વસહાય જુથોને ૪ અથવા ૫ ગ્રામપંચાયત દિઠ એક ઇકોવાન એમ કુલ ૭ ઇકોવાન આપવામાં આવી છે. તેમજ આ ઇકોવાન સાગબારા તાલુકાના ૭ જેટલાં રૂટમાં ફરશે. આ તકે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઇકોવાનની ચાવી સ્વ-સહાય જુથની બહેનોને અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની સખી મંડળની બહેનો માટે આજનો દિવસ ખૂબ જ આનંદનો દિવસ છે. સાચા અર્થમાં સાગબારા અને દેડીયાપાડાની બહેનો ધિરાણ આપવા સહિતના અનેક સુંદર કામો તેમની આગવીસુઝ બૂઝના આધારે કરી રહી છે. જે અન્ય જિલ્લાન લોકો માટે પ્રેરણારૂપ છે. જિલ્લા આયોજન મંડળની ગ્રાંટ તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે છે. અને જિલ્લાના દૂરના અંતરિયાળ વિસ્તારના લોકોને માટે ખૂબ જ ઉપયોગી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેની સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ અને મિશન મંગલમના અધિકારીશ્રીઓને આ તકે અભિનંદન પણ આપ્યા હતાં.

Exit mobile version