શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વિકસિત ભારત-જન સેવા અભિયાન અંતર્ગત આહવામાં “આંગણ મિલન સેવા” કાર્યક્રમ યોજાયો:
ડાંગ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પોષણ અને સર્વાંગી વિકાસ માટે સેવાઓ અપાય છે: પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીત
દિનકર બંગાળ, આહવા: વિકસિત ભારત-જન સેવા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત સહિતના મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને આહવા ઘટકના મિશનપાડા આંગવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન સેવા’ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોના પોષણ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યની વાતો કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના બાળકોના પોષણ અને આરોગ્યની સતત ચિંતા કરી રહી છે. બાળકોને નિયમિતપણે પોષણયુક્ત અને સંતુલિત આહાર મળે તે માટે આંગણવાડી કેન્દ્રો મારફતે વિવિધ પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે તેઓ સ્વચ્છ, સ્વસ્થ અને સુપોષિત રહેશે તો શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉત્સવમય અવસરે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ ના ભાગરૂપે આજે આંગણવાડીમાં પણ બાળકોની સેવાના સંદેશ સાથે આ કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે.
વધુમાં ડાંગ જેવા વિસ્તારમાં કુપોષણ દુર કરવા માટે જિલ્લામાં ઉપલબ્ધ પરંપરાગત ધાન્ય પાકો—નાગલી, જુવાર, વરાઈ, કોદરી તેમજ શ્રી અન્ન (મિલેટ્સ) અને સરગવાના અસાધારણ પોષક મૂલ્યો વિશે આંગણવાડી કેન્દ્રો મારફત જાગૃતિ કેળવાય તે જરૂરી છે તેમજ તમામ બાળકો અને મહિલાઓ સુપોષિત બને તે માટે આ સ્થાનિક પૌષ્ટિક ખાદ્યોનો દૈનિક આહારમાં મહત્તમ ઉપયોગ થાય તે અત્યંત અનિવાર્ય છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મિશનપાડા આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને ટેક હોમ રાશન, બાળકોને ફળ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, સુરત ઝોન કક્ષાના અધિકારીશ્રી તેમજ ડાંગ ભાજપા પાર્ટીના પ્રભારી શ્રી શિલ્પેશભાઇ દેસાઇ, પાર્ટી પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી સહિત આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, આશા વર્કરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

