શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વાંસદા ખાતે વર્ષ પ્રતિપદા ઉત્સવ દેશભક્તિની લાગણી સાથે ઉજવાયો:
કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા તાલુકામાં ચૈત્ર સુદ એકાદશી, તા. ૨૯ માર્ચ, રવિવારના શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ભવ્ય અને ઉર્જાસભર વાતાવરણમાં ઉજવાયો હતો. આ આયોજન વાંસદા સ્થિત પ્રતાપ હાઈસ્કૂલના હિરક સાંસ્કૃતિક હોલમાં યોજાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગના વિભાગ સહ કાર્યવાહ શ્રી વસંતભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં વર્ષ પ્રતિપદાનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે આ દિવસ હિન્દુ નવવર્ષની શરૂઆતનું પ્રતિક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પવિત્ર દિવસે સંઘના સ્થાપક ડૉ. હેડગેવારનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે, જે સંઘ માટે વિશેષ પ્રેરણારૂપ છે.
તેમણે સંઘની પરંપરાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે આ દિવસે આદ્ય સરસંઘચાલકને પ્રણામ કરવાની પરંપરા અનુસરવામાં આવે છે, જે સંઘની સંસ્કૃતિ અને સંકલ્પનું પ્રતિબિંબ છે. ઉપરાંત, “પંચ પરિવર્તન” વિષય પર પ્રકાશ પાડી કાર્યકરોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકાના કુલ ૯ મંડળમાંથી ૬ મંડળના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સંઘભાવનાથી ઓતપ્રોત બન્યું હતું.
આ આયોજન તાલુકા કાર્યવાહક ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજયભાઈ મોરે, આયુષ ચૌધરી, વિકમભાઈ અને રાજુભાઈ સહિતના કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

