શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ : દસ કલાકમા ૫૨.૭૫ મી.મી. વરસાદ નોંધાયો ;
ગ્રામ્ય વિસ્તારોમા વીજ લાઇન ઉપર વૃક્ષો ધસી પડવા સાથે અંદાજિત ત્રણ પશુ મૃત્યુ પણ નોંધાયા ;
વરસાદી પાણી ફરી વળતા ડાંગ જિલ્લાના કુલ સાત જેટલાં માર્ગો અવરોધાયા ;
ડાંગના આઠ ગામો થયા પ્રભાવિત :
આહવા: ડાંગ જિલ્લામા વરસી રહેલા પાછોતરા વરસાદને કારણે અહી સાર્વત્રિક વરસાદ નોંધાતા, છેલ્લા દસ કલાકમા ૫૨.૭૫ મી.મી. વરસાદ નોધાવા પામ્યો છે.
જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે એટ્લે કે તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાથી આ લખાઈ છે ત્યાં સુધી, એટ્લે કે સાંજના ચાર વાગ્યા સુધી જિલ્લામા સરેરાશ ૫૨.૭૫ મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
વિગતે જોઈએ તો આ દસ કલાક દરમિયાન આહવા તાલુકામા ૪૬ મી.મી. (મોસમનો કુલ ૨૬૧૬ મી.મી.), વઘઈનો ૫૬ મી.મી. (કુલ ૨૬૦૧ મી.મી.), સુબીરનો ૫૯ મી.મી. (કુલ ૨૩૯૧ મી.મી.) અને સાપુતારા પંથકનો ૫૦ મી.મી. (કુલ ૨૭૫૧ મી.મી.) વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે જિલ્લાના સાત જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા, આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ને બદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે. જિલ્લાના આ માર્ગો અવરોધાતા કુલ આઠ ગામો પ્રભાવિત થયા છે.
જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી રાજુભાઇ ચૌધરી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર બપોરે બે વાગ્યાની સ્થિતિએ જિલ્લાના આહવા તાલુકાના (૧) સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, ઉપરાંત વઘઇ તાલુકાના (૧) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨) ઘોડવહળ વી.એ.રોડ, (૩) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૪) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, (૫) ઢાઢરા વી.એ.રોડ, અને (૬) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ મળી કુલ-૭ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે.
દરમિયાન જિલ્લામા નોંધાયેલા સાર્વત્રિક વરસાદને પગલે ટાકલીપાડા (પીપલાઈદેવી) ગામના પશુપાલક શ્રી ગિરીશભાઈ રામજભાઈ સૂર્યવંશીની એક પાડાનુ પાણીમા ડૂબી જવાથી મૃત્યુ નોંધાયુ છે. તો ડોન ગામના શ્રી મનકાભાઈ સોમાભાઇ ચૌધરીના એક બળદ ઉપર આકાશી વીજળી પડતા તેનુ મૃત્યુ નોંધાયુ છે. જ્યારે કામદ ગામના પશુપાલક શ્રી બુધયાભાઈ ભાવડ્યાભાઈ ગાવીતના એક બળદનુ પણ વરસાદને કારણે મૃત્યુ નોંધાવા પામ્યુ છે, તેમ જિલ્લાના મદદનીશ પશુપાલક અધિકારી શ્રી હર્ષદ ઠાકરે તરફથી મળેલી વિગતોમા જણાવાયુ છે.
વીજ વિભાગના આહવા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વિજય પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લામા થઈ રહેલા વરસાદને કારણે ગ્રામીણ અને વન્ય વિસ્તારોમા ઠેર ઠેર વીજ લાઇન અને વીજ પોલ ઉપર વૃક્ષો ધરાશાઇ થવાના બનાવો નોંધાઈ રહ્યા છે. જેને કારણે અવરોધાતો વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટે વીજકર્મીઓ સતત દુરસ્તી કામ કરી રહ્યા છે.