Site icon Gramin Today

વઘઈ તાલુકામાં “જળ મહોત્સવ અને જલ અર્પણ કાર્યક્રમ” ભવ્ય રીતે યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વઘઈ તાલુકામાં “જળ મહોત્સવ અને જલ અર્પણ કાર્યક્રમ” ભવ્ય રીતે યોજાયો:

વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાણી સંરક્ષણ માટે જનજાગૃતિનો સંદેશ:

પાણીવેરા વસુલાતમાં ઉત્તમ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ઇનામો:

દિનકર બંગાળ, વઘઈ: ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૮ માર્ચથી ૨૨ માર્ચ સુધી સમગ્ર દેશમાં ‘જલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સુરક્ષામાં જન ભાગીદારી અને સામુદાયિક માલિકીને મજબૂત કરવાનો છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના નવસારી ખાતે થી તારીખ ૮ માર્ચથી “જળ મહોત્સવ” ની શરૂઆત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ તાલુકાના દરાપાડા “જળ મહોત્સવ અને જલ અર્પણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ લોકો માટેની યોજનાઓ છે જે યોજનાઓ પ્રત્યે ભાવ રાખવો જરૂરી છે, સાથે જ સરકારી યોજનાઓ તેમજ જાહેર સંપત્તિઓની કાળજી રાખવી પણ ખુબજ જરૂરી છે. ડાંગમાં પહેલાં પાણીની વિપરતી પરિસ્થિતિ હતી, જેમાં હવે લાલ ટેન્કરોની પ્રથા દૂર થઈ છે. આજે વર્તમાન સરકાર દ્વારા પાણી સમસ્યા માટે અનેક યોજનાઓ લાગુ કરેલ છે. જેનાથી સરકારનો શુદ્ધ પાણી પહોંચાડવાનો લક્ષ્ય છે. ગામમાં લાગુ પાણી પુરવઠા યોજના સ્વયં સંચાલિત હોવી જોઇએ, લોકોએ યોજના પ્રત્યે જવાબદારી નિભાવી જોઇએ તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.

આ ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપતાં શ્રી વિજયભાઈ પટેલ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ગામને જોડતા રસ્તાઓ બનાવવાની કામગીરી ચાલુ છે. શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે તાજેતરમાં આહવા ઉપરાંત વઘઈ અને સુબીર તાલુકામાં કોલેજ શરૂ કરવામાં આવેલ છે. તેમજ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવેલ છે. ડાંગમાં લોકોને પીવાનું પાણી ઘર ઘર મળી રહે તે માટે તાપી આધારિત ૮૬૬ કરોડની યોજનાની કામગીરી ચાલી રહી છે. સિંચાઈ આધારિત ખેતીમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અને ડાંગનું પાણી ડાંગમાં રોકવા માટે જિલ્લાની પાંચેય નદીઓ ઉપર ૧૦ થી ૧૫ મિટર ઊંચાઈના ડેમો બનાવવામાં આવનાર છે. હાલ ઘોઘાલી ઘાટમાર્ગમાં સિરીઝ વાઇસ પાંચ ડેમો બનાવવામાં આવી રહ્યાં છે.

આ પ્રસંગે સામાજિક આગેવાન હીરાભાઈ રાઉતે જણાવ્યું હતું કે, જળ એ અમૃત સમાન છે, જેના માટે કોઈ પણ સામાજિક ભેદભાવ કે રાજકારણ કરવું જોઇએ નહીં ત્યારે ગામમાં કાર્યરત પાણી પુરવઠાની યોજનાઓ સંપૂર્ણ અમલીકરણ કરી ચાલુ રાખવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

દરાપાડા ગામે યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં ૫૦ ટકા થી વધારે પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના અંતર્ગત પાણી વેરા વસુલાત માટે નડગચોન્ડ, માનમોડી, સોનુનિયા, ચીખલી, વાંગણ, શિવારીમાળ વિગેરે ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયા હતાં.

ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને શ્રીમતી સંગીતાબેને “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ” માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પ્રશંસા પત્ર આપી સન્માનિ કરવામાં આવ્યાં હતાં. જેઓને આજરોજ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે માજી જિલ્લા સદસ્ય ચંદરભાઈ ગાવિત, માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, બળવંતભાઈ, માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ નગીનભાઈ ગાવિત, નડગચોંડ ગ્રામ પંચાયત સરપંચ અરુણાબેન ભોયે, શામગહાન ગ્રામ પંચાયત સરપંચ સુનિલભાઈ ભોયે સહિત ચીખલી, વાંગણ, બારીપાડા, સોનુનિયા, ભાપખલ, પીંપરી જેવી વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સહિત સામાજિક આગેવાનો સર્વે શ્રી હીરાભાઈ રાઉત, દિનેશભાઇ ભોયે સહિત પાણી પુરવઠા અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version