શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
આજરોજ “બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી:
સુરત: દીકરીઓનો જન્મદરમાં વધારો થાય તેમજ દીકરીઓ દરેક ક્ષેત્રમાં શિક્ષણ થકી પુરૂષ સમોવડી બની, વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર થાય તેવા આશયથી રાજય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના વડપણ હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ મહિલાઓના ઉત્થાન માટેની યોજનાઓનો વ્યાપ શહેરી વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારમાં વસતિ મહિલા, કિશોરી સુધી પહોચે તેવા સ્તુત્ય પ્રયાસો હાથ ધરવા માટેની વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂકયો હતો. ખાસ કરીને નોકરીના સ્થળોએ કામ કરતી મહિલાઓના બાળકોની કાળજી માટે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પો.કમિશનર જેવી કચેરીઓમાં ઘોડીયા ઘરની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
જિલ્લા બાળ અને મહિલા અધિકારી શ્વેતા દેસાઈએ વર્તમાન વર્ષે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, મહિલા જાગૃતિ માટે કુપોષીત બાળકીઓને દત્તક રાખવા માટેનો કાર્યક્રમ, કિશોરી મેળા, આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી, રેડિયો જીંગલ, મલ્ટી કલર પેમ્પલેટ, ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં ટોપ આવનાર વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ, સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને દીકરીઓ વધુમાં વધુ ભણીગણીને આગળ વધે, દીકરીઓના જન્મદરમાં વધારો થાય તે માટેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાત આગામી સમયમાં મહિલા વોલેન્ટીયર્સો માટે સેમિનાર કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, પ્રોગ્રામ ઓફીસર નયનાબેન પારધી, ડી.આર.ડી.એ., માહિતી, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.