શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
બારતાડ પ્રાથમિક શાળા ખાતે મફત આંખો તથા જનરલ મેડિકલ કેમ્પનું આયોજન:
કમલેશ ગાવિત,વાંસદા: વાંસદા તાલુકાના ખાનપુર–બારતાડ ગામે રવિવારના રોજ બારતાડ પ્રાથમિક શાળા ખાતે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી મફત આંખોની તપાસ તેમજ જનરલ મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બારતાડ ગામ ઉપરાંત આસપાસના ગામોના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મેડિકલ કેમ્પમાં અંદાજે કુલ ૪૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. બારતાડ ગામના ચિંતુભાઈ ભીંસરા તેમજ ગામના નવ યુવાનોના સહયોગથી આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પના ચેરમેન શ્રી રાકેશભાઈ એન. નાયકનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાકેશભાઈ મિસ્ત્રી, નિર્ભય વશી, બિપીનભાઈ નાયક, કેયુરભાઈ નાયક તેમજ મંત્રીશ્રી પારૂલબેન નાયક સહિત સર્વે રોટરી મિત્રોએ સવિશેષ અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી, જે બદલ સૌનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અમૃતમ હોસ્પિટલ તથા રોટરી આઈ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને સુચારૂ રીતે બજાવી હતી. તે બદલ મંત્રી પારૂલ નાયક તેમજ પ્રમુખ શૈલેષ વશીએ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ મેડિકલ કેમ્પનું સફળ આયોજન અમેરિકા નિવાસી તથા રિદ્ધિ-સિદ્ધિ આદર્શ ગામ ચૌંઢાના ડાયરેક્ટર શ્રી પ્રકાશભાઈ ડી. નાયક, તાલુકા પંચાયત કારોબારી તરુણભાઈ ગાંવિત તેમજ સ્થાનિક આગેવાન ચિંતુભાઈના સહકારથી શક્ય બન્યું હતું.

