Site icon Gramin Today

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય સાથે શ્રમદાન, બચત ના લીધે બોરખેતના મુક્તિબેનના પરિવારને માથે છત મળી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7  વેબ પોર્ટલ પત્રકાર: રામુભાઈ માહલા 

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય સાથે શ્રમદાનનો પ્રસ્વેદ અને બચત મૂડીના નાણાનો ત્રિવેણી સંગમ રચાતા બોરખેતના મુક્તિબેન નિંબારેના પરિવારને માથે છત મળી :

આહવા: ડાંગ જેવા વનપ્રદેશમાં વરસાદ, વાવાઝોડુ, કડકડતી ઠંડી, અને આકરા ઉનાળામાં પોતાના ચાર, ચાર સંતાનો સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા, આહવા તાલુકાના બોરખેતના મુક્તિબેન નરેશભાઈ નિંબારેએ, તેમના પરિવારને પોતાના ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ખૂબ જ સહયોગી બની છે તેમ જણાવ્યું હતું.

પોતાની આછી પાતળી ખેતી, અને પશુપાલન તથા ખેતમજુરી કરીને માંડ બે ટંકના રોટલા ભેગા થતા નિંબારે પરિવારે, પાઈ પાઈ જોડીને પોતાના કાચા ઝુંપડા ને પાકુ ઘર બનાવવા માટે રાત દિવસની કાળી મજુરી આરંભી હતી.

તેમના આ પ્રયાસોમાં આશીર્વાદરૂપ બની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’. સને ૨૦૨૦/૨૧માં મુક્તિબેન નિંબારેને પોતાના મકાન માટે કુલ રૂ. ૧ લાખને ૨૦ હજારની નાણાકિય સહાય મળી. જેમાં રૂ. ૨૦ હજાર ૬૧૦ જેટલો પરિશ્રમનો પ્રસ્વેદ પાડીને, આ શ્રમજીવિ પરિવારે નાનુ પણ સુંદર મઝાનું તેમની જરૂરિયાત મુજબનું પાકુ મકાન તૈયાર કરી દીધું. સરકારની સહાય, શ્રમદાનનો પ્રસ્વેદ, અને પોતાની બચત મૂડીના પૈસા એકઠા કરીને, પોતાના ચાર સંતાનોના માથે છતનું આવરણ ઊભુ કરતા મુક્તિબેન નિંબારેએ, જો તેમને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સહાય ઉપલબ્ધ ન થાત, તો તેઓના ઘરનું સ્વપ્ન ક્યારેય પૂરુ થયુ ન હોત તેમ જણાવ્યું હતું.

આવાસ યોજના અંતર્ગત ઘરનું સ્વપ્ન સાકાર થતાં પોતાના ચાર સંતાનોના અભ્યાસ સહિત પશુપાલન, અને ખેતી તથા ખેત મજુરીમાં લક્ષ કેન્દ્રિત કરતા તેમનો પરિવાર બે પાંદડે થયો છે, તેમ જણાવતા મુક્તિબેને રાજય અને કેન્દ્ર સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

Exit mobile version