શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૨૧; ભારત નિર્વાચન આયોગ દ્વારા ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦નો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે મુજબ આગામી તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે.
ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના કાર્યકરો સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે તમામ પ્રકારના સાધનો મિલ્કતો સ્થળોનો ઉપયોગ કરી ચુંટણી પ્રચાર કરે છે. ભારત નિર્વાચન આયોગ દ્વારા મળેલ સૂચના મુજબ જિલ્લામાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ના થાય, અને જાહેર સલામતી અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આવા ચૂંટણી પ્રચાર વખતે ભાષણો, પોસ્ટરો, સંગીત વિગેરે સહિત મંદીરો, મસ્જીદો, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો કોમી સંવાદિતા ખોરવાવાની અને તંગદીલી ઉભી થવાની શક્યતા રહે છે આથી જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવા કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકવાનુ જરૂરી અને ઇષ્ટ જણાય છે.
જે ધ્યાને લેતા શ્રી ટી.કે.ડામોર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા, ડાંગ જિલ્લામાં તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષો તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ભાષણો, પોસ્ટરો, સંગીત વિગેરે સહિત મંદીરો, મસ્જીદો, ચર્ચ, ગુરુદ્વારા, પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળો/સંસ્થાઓ અથવા કોઇપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમો ભંગ કર્યેથી કસુરવાર સામે પગલા લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.