Site icon Gramin Today

નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની શાળાના શિક્ષકોનો શિક્ષણની સાથે સેવાયજ્ઞ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા  સર્જન કુમાર વસાવા

નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિપકભાઇ વસાવાના આર્થિક સહયોગ થકી શાળાના ધો-૧ થી ૮ના ૧૩૭ જેટલા બાળકોને અંદાજે રૂા. ૭૦ હજારના ખર્ચે નિ:શુલ્ક કરાયું શાળાના ગણવેશનું વિતરણ:

રાજપીપલા :- નોવેલ કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણાની રાહબરી હેઠળ શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં વડોદરા ગ્રામ્ય ડેસર પોલીસ સ્ટેશનમા પી.એસ.આઇ (PSI) તરીકે ફરજ બજાવતા શ્રી દિપકભાઇ વસાવાના આર્થિક સહયોગ થકી બોરીદ્વા ગામના ધો-૧ થી ૮ ના ૧૩૭ જેટલાં શાળાના બાળકોને સેવારૂપી ઝરણા રૂપે નિ:શુલ્ક અંદાજે રૂા. ૭૦ હજારના ખર્ચે શાળાનો ગણવેશ ઘરે ઘરે પહોચાડીને શિક્ષણની સાથે સેવાયજ્ઞની અનોખી એક પહેલ કરવામાં આવી છે. તેની સાથોસાથ વાલીઓ, બાળકો અને વડીલોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું માર્ગદર્શન પણ પુરૂં પાડી રહ્યા છે.

આ પ્રસંગે લીમટવાડા ગૃપના સી.આર.સી શ્રી વાસુદેવભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, હાલ નોવેલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, તેવા સમયે શાળાઓ બંધ હોવાથી બોરીદ્રા ગામની શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા અને તેમના સ્ટાફ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રી દિપકભાઇ વસાવાના સહયોગ થકી બાળકોને સેવાના ઝરણા રૂપે વિના મૂલ્યે ગણવેશ ઘરે ઘરે જઇને પુરો પાડ્યો છે તેથી શિક્ષણની સાથે સેવાયજ્ઞ કરનાર તમામ શિક્ષકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.

બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાની ધો-૪ ની વિદ્યાર્થીની અર્પિતાબેન સુકાભાઇ કહ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસને લીધે અમારી શાળા બંધ છે ત્યારે અમારા શાળાના અનિલ ગુરૂજી અને દિપકભાઇ વસાવાના સહયોગ થકી અમને બધાને શાળાનો ગણવેશ પુરો પાડ્યો છે જે અમને આર્થિક રીતે પણ ઉપયોગી બની રહેશે.

બોરીદ્વા ગામના હરેન્દ્રભાઇ ચિમનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અમારા ગામની શાળાના બધા બાળકોને વિનામૂલ્યે ગણવેશ શાળાના શિક્ષકો અને મારા પુત્ર દિપક વસાવાના આર્થિક સહયોગ થકી આપવામાં આવ્યા છે. તેમજ બોરીદ્રા ગામની શાળામાં જ મારો પુત્ર અભ્યાસ કરીને પોલીસ વિભાગમાં હાલ ફરજ બજાવે છે તેથી આ સેવાયજ્ઞથી સાથે આંનદની લાગણી અનુભવતા હોવાનું તેમણે ઉમેર્યું હતુ.

પ્રસંગે નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગૃપના સી.આર.સી શ્રી વાસુદેવભાઇ રાઠવા, બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા અને શાળાનો સ્ટાફગણ, વિદ્યાર્થીના વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version