Site icon Gramin Today

‘નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે યોજાઈ સમીક્ષા બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લામા પાણી પુરવઠા યોજનાઓના કામો સમય મર્યાદામા પૂર્ણ કરવાની કલેકટર શ્રી એન.કે.ડામોરની તાકીદ ;

“નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે યોજાઈ સમીક્ષા બેઠક ;
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૧૫; ડાંગ જિલ્લાનુ એક પણ ઘર “નલ સે જલ” કાર્યક્રમથી વંચિત ન રહી જાય, અને ઘરે ઘર સુધી નળ વાટે પીવાનુ શુધ્ધ પાણી પહોંચાડવાના કાર્યમા કોઈ પણ જાતની ઢીલ કે કચાશ ચલાવી નહિ લેવાય તેવો સુર વ્યક્ત કરતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલા કામો ગુણવત્તા સાથે નિયત સમય મર્યાદામા પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત કલેકટર કચેરીના સભાખંડમા યોજાયેલી “નલ સે જલ” કાર્યક્રમ (ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરિયા-ટ્રાયબલ) અંતર્ગત જુદી જુદી યોજનાઓની સમીક્ષા કરતા કલેકટર શ્રી ડામોરે ભવિષ્યની વધતી જતી વસ્તી, સામાજિક સ્થિતિ, સોર્સ જેવી બાબતો ધ્યાને લઈને યોજનાઓ તૈયાર કરવાની પણ આ વેળા હિમાયત કરી હતી.

જિલ્લાની સ્કુલ અને આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો વિગેરેમા સો ટકા પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તાલુકાવાર સુપરવિઝન સુનિશ્ચિત કરવાની પણ કલેકટરશ્રીએ સુચના આપી હતી. પાણી સંબંધિત યોજનાઓનુ રાજ્ય કક્ષાએ સી.એમ.ડેશ બોર્ડ મારફતે પણ નિયમિત રીતે મોનીટરીંગ કરાતુ હોય, આ બાબતે ખુબ જ ચોક્સાઈ અને ગંભીરતા જાળવવાની તાકીદ કરતા કલેકટરશ્રીએ આગામી તા.૩૧મી ડીસેમ્બર પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે. વઢવાણીયાએ પુરક વિગતો સાથે ઉપયોગી માર્ગદર્શન આપી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કાર્ય હતા.

બેઠકમા કુલ અંદાજીત રૂ.૯ કરોડ, ૫૯ લાખ, ૨૭ હજાર, ૨૦૦ ની જુદી જુદી ૫૧ જેટલી યોજનાઓ મંજુર કરવામા આવી હતી. જયારે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત એક રીવાઈઝ પેયજળ યોજનાને પણ મંજુરી આપવામા આવી હતી.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમા ગત બેઠકની કાર્યવાહી નોંધને મંજુર કરવા સાથે ભૌતિક પ્રગતિ હેઠળની વિવિધ ૧૯૨ યોજનાઓના કામોની ચર્ચા હાથ ધરવામા આવી હતી. સાથે ઉપલબ્ધ સોર્સની જગ્યાએ વીજ જોડાણની કામગીરીની પણ ચર્ચા કરવામા આવી હતી.

બેઠકમા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડયા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી ડી.બી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, સમિતિના સભ્યો એવા ઉચ્ચાધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મરે સંભાળી હતી.

 

Exit mobile version