શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોરોના વોરીયર્સ તરીકેનુ સરકારી બિરુદ પામેલાં અને પોતાના જીવના જોખમે ફીલ્ડમા કામ કરતાં હેલ્થ વર્કરોને વધારાના લાભ આપવાની વાત તો દુર રહી પરંતુ તેમના હકનો લાભ આપવામા પણ નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ ઉણું ઉતર્યુ છે. કોરોના વોરીયર્સ તરીકે માત્ર કોરી વાતોની આ વરવી વાસ્તવિકતા છે.
નર્મદાના આરોગ્ય વિભાગ હેઠળ કોરોના કપરા કાળમા પણ કામગીરી બજાવતાં મલ્ટી પર્પઝ હેલ્થવર્કરો છેલ્લાં એક વર્ષથી પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છે. નર્મદા જીલ્લામા સુપરવાઈઝર તરીકેની ખાલી પડેલ 28 જેટલી જગ્યાઓ ઉપર હાલ MPHW તરીકેની કામગીરી કરતા 22 જેટલાં કર્મચારીઓ પ્રમોશન મેળવી શકવાની તમામ પુર્વ લાયકાત ધરાવતા હોવ છતાં પોતાને મળતા બઢતીના લાભથી વંચીત છે.
નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉદાસિનતા અને આળસને કારણે કોરોના વોરીયર્સનુ બિરુદ પામેલા અને પોતાનુ અને પોતાના પરિવારનુ હિતને દાવ ઉપર મુકી કામ કરતાં MPHWના કર્મચારીઓમા આ બાબતે કચવાટની લાગણી ફેલાઈ છે. અન્ય જીલ્લાઓમા આ કેટેગરી હેઠળ આવતાં કર્મચારીઓને સુપરવાઈઝર તરીકે પ્રમોશન આપી દેવામાં આવ્યાં છે, નર્મદા જીલ્લાના મલ્ટી પર્પઝ હેલ્થવર્કરોની આ બાબતની વારંવારની રજુઆતો છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે નર્મદા જીલ્લા આરોગ્ય તંત્ર અને જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનુ ભેદી વલણ જણાય છે. આ બાબતે A.D.H.O ડો.વી.બી ગામીતને ફોન દ્વારા પુછતાં તેઓ એ જણાવ્યું હતું કે સિનિયોરીટી, રોસ્ટર સહીતના કેટલાંક ટેકનીકલ પ્રશ્નોને કારણે આ મામલો ગુંચવાયો છે, અને કોર્ટ કેસ બાબતની પણ વાત જણાવી હતી. નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ આ બાબતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નિયમ અને હુકમ પ્રમાણે અને અન્ય જીલ્લાઓમા થયેલી કામગીરીમા થી પ્રેરણા લઈ કોરોના વોરીયર્સોને તેમના સુપરવાઈઝર તરીકેના બઢતીના હક આપે તેજ ખરું કોરોના વોરીયર્સ તરીકેનુ સન્માન ગણી શકાય તેમ છે.