શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, કરૂણેશભાઈ ચૌધરી
ધારાસભ્ય અનંતભાઈ પટેલ પર થયેલા હુમલા મુદ્દે ઉમરપાડા અને માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું.
એક બાજુ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. હાલમાં થોડા દિવસ પહેલા વાસદા ના લોકલાડીલા અને હરહંમેશા માટે લોકોની પડખે રહી પ્રજાજનોને ન્યાય અપાવનારા ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે.
ત્યારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી થાય અને હુમલાનો ભોગ બનનારા ધારાસભ્ય પટેલ અનંતભાઈ ને ન્યાય મળે તે હેતુથી કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદન પત્ર આપવામાં આવી રહ્યુ છે ત્યારે ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વસાવા હરીશભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચૌધરી સામજીભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સહિત મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદાના ધારાસભ્ય પટેલ અનંતભાઈ પર વિધાનસભાની ચૂંટણી નજીક હોવા છતાં હુમલો કરવામાં આવ્યો છે. જે બાબતે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. ગતરોજ ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વસાવા હરીશભાઈ તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચૌધરી સામજીભાઈ ના અધ્યક્ષસ્થાને મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને હુમલો કરનારા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેમજ હુમલાનો ભોગ બનેલા ધારાસભ્ય અનંત પટેલને ન્યાય મળે તે હેતુથી મામલતદાર ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણ દાયકાના સદંતર નિષ્ફળ શાસન ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયોના પરિણામ હવે જ્યારે ભીત ઉપરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ તેમની છેલ્લી કક્ષાના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયા મારી રહ્યા છે તેના બોલતા પુરાવારૂપ ઘટનામાં શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય પટેલ અનંતભાઈ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને તાકીદ કરે છે કે આવી ઘટના સાંખી લેવામાં આવશે નહીં. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ આહીર ભીખુભાઈ અને રીન્કુ નામના ઈસમો દ્વારા કોંગ્રેસના આદિવાસી લોક લાડીલા નેતા અને ધારાસભ્ય પટેલ અનંતભાઈ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. પ્રજાલક્ષી કે જાહેર હિતના કોઈ કામ છેલ્લા ૨૪ વર્ષ દરમિયાન નહીં કર્યા હોવાથી પ્રજાના રોષનો ભોગ બની રહેલા ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા આવી નીચ સ્તરીય રાજનીતિ આચરી રહ્યા છે જેને કોંગ્રેસ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વસાવા હરીશભાઈ અને માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચૌધરી સામજીભાઈ એ પણ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આવેદનપત્ર ના કાર્યક્રમમાં ઉંમરપાડા ખાતે કોંગ્રેસ તાલુકા પ્રમુખ વસાવા હરીશભાઈ, રીટાયર IAS વસાવા જગતસિંહ, વસાવા નટવરસિંહ, રામસિંગભાઈ જ્યારે માંગરોળ ખાતે માંજી ધારાસભ્ય અને મંત્રી ચૌધરી રમણભાઈ, જીલ્લા મહામંત્રી સાબુદીનભાઈ, સેવાદળ પ્રમુખ ચૌધરી મુકેશભાઈ, તાલુકા મહામંત્રી ગામીત પ્રકાશભાઈ,ઓબીસી પ્રમુખ મૈસુરીયા અમીતભાઈ, પ્રદેશ બક્ષીપંચ મહામંત્રી મકરાણી ઈરફાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.