Site icon Gramin Today

દેડીયાપાડા અને સાગબારામાં છેલ્લાં કેટલાંક દિવસથી ગાયબ થયેલા વરસાદની ફરી એન્ટ્રી, તૈયાર ડાંગરનાં પાક પર પાણી ફરી વળ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન અને ગાજવીજના કડાકા ભડાકા સાથે તાલુકાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈ ખેડૂત આલમ મુશ્કેલીમાં મુકાયા છે અને ડાંગર પકવતા ખેડૂતોને ફરી એકવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

એક બાજુ ચોમાસુ ડાંગરનો ઉભો પાક તૈયાર થઈ ગયેલો જોવા મળે છે ત્યારે કેટલાક ખેડૂતો ડાંગરનો પાક લણણી કરવા જોતરાઈ ગયા હતા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ડાંગરના પાકને કાપીને ખેતરોમાં ઝૂડવાની પ્રક્રિયા ખેતમજૂરો કરી રહ્યા હતા, તેવા સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસથી ગાયબ થયેલા વરસાદની ફરી એન્ટ્રી થતા પોતાનો પાક બચાવવા દોડા દોડી કરવી પડી હતી, તો બીજી તરફ ડાંગરના પરાળ પણ ભીંજાઇ જવા પામ્યા હતા.

વરસાદ વરસવાને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે અને રાજ્યમાં ખેડૂતની ચિંતામાં વધારો થયો હતો, વરસાદને લઈ ડાંગરની કાપણી કરી ખેતરોમાં પડ્યું હતું, તે ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોને લાખોનું નુકશાન પહોંચ્યું છે, તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું, હજુ પણ તાલુકાઓમાં ડાંગરનો ઉભો પાક તૈયાર થઈને લહેરાઈ રહ્યો છે, પરંતુ વરસાદની આગાહી છે અને ખેતીના પાકોને નુકશાન થશે તેવી હાલની સ્થિતિમાં ડાંગરનો પાક કાપવો કે ન કાપવો તે દ્વિધામાં ખેડૂતો મુકાયેલા જોવા મળે છે.

Exit mobile version